બારડોલીમાં ટુ વ્હીલર વાહનોની લે વેચ કરી દલાલીના ધંધા સાથે જોડાઈ કુછંદે ચડેલા પિતા પુત્ર અને અન્ય સાગરીતની ત્રિપુટી દ્વારા બારડોલીમાં બાંધકામ કરતા બિલ્ડરો વિરુદ્ધ ખોટી ફરિયાદ અને આર.ટી.આઇ કરી ખંડણી મંગાતા બારડોલીમાં ખંડણીખોરો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલીનાં સુરતી ઝાપા વિસ્તારમાં આવેલ મદ્રેસા ચાલમાં રહેતા ઈબ્રાહીમ દાઉદ મેમણ, તેનો પુત્ર મોહસીન મેમણ તથા બાબેન ગામે કાલીબસ્તી ખાતે રહેતો અંસાર નૂર મહંમદ ખટીક મળી કુખ્યાત ટોળકીએ ચાર દિવસ પહેલા બારડોલીના તેન ગામની સીમમાં ચાલતા બાંધકામ બાબતે ગુલામ મહંમદ યુસુફ કારિયા નામના વ્યક્તિને ખોટી રીતે હેરાનગતિ પહોંચાડી રૂપિયા 3 લાખ માંગ્યા હતા.
તેમજ હેરાનગતિથી કંટાળી બિલ્ડરે ટોકન પેટે રૂપિયા 40,000/- ચૂકવ્યા હતા. આમ છતાં બાકીના પૈસાની કડક ઉઘરાણી કરતા ત્રણેય વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ ત્રિપુટીને કાયદા અને પોલીસનો ડર રહ્યો ન હોય તેમ બારડોલીના તેન ગામે કેનાલ રોડ ઉપર આવેલ ઉત્સવ પ્લાઝા કોમ્પ્લેક્સની બાજુમાં ચાલતા બે કાચી દુકાનોના બાંધકામ બાબતે આર.ટી.આઈ અરજી કરી બારડોલીના બિલ્ડર સુજાન સિંહ ઉર્ફે રાજુ શાહ (મુદીત) વિરુદ્ધ બુડા ઓફિસમાંથી નોટિસ મોકલાવી તેને ડરાવીને બાંધકામ નહીં તોડવા બાબતે મીટીંગ કરવા જણાવ્યું હતું. બિલ્ડરને ગાંધીરોડ ઉપર આવેલ એક મકાનમાં બોલાવી ખાંડણીખોરોએ પ્રથમ રૂપિયા 15 લાખ અને છેવટે રૂપિયા 5 લાખ માંગ્યા હતા.
આ બાબતે મોહસીન મેમણે ફોન કર્યો હતો. ત્યારબાદ સોહેલ મેમણ નામના વ્યક્તિએ બિલ્ડરને ફોન કરી મધ્યસ્થી કરી પ્રકરણ બંધ કરવા ઓફર આપી હતી. ખડણીખોરોની માંગને તાબે ન થતાં ત્રણેય પૈકીના અંસાર ખટીકે બિલ્ડરને નોટિસ પણ મોકલાવી હતી. બિલ્ડર સુજાનસિંહે નાણા આપવાની ધરાર ના પાડતા તેને રસ્તામાં અટકાવી બોલાચાલી કરી ધમકીઓ પણ અપાઈ હતી. જયારે ત્રણેયની હરકતથી કંટાળેલા બિલ્ડરે છેવટે બારડોલી પોલીસ મથકે ઈબ્રાહીમ દાઉદ મેમણ, મોહસીન ઈબ્રાહીમ મેમણ અને અંસાર નુર મોહમ્મદ ખટીક મળી ત્રણેય વિરુદ્ધ ખોટી આર.ટી.આઇ કરી હેરાગતી પહોંચાડી ખંડણી માંગવા બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન ત્રણેય ખંડણીખોરો ભૂગર્ભમાં સંતાયા હોવાનું જાણવા મળે છે. ખોટી આર.ટી.આઇ અરજીઓ કરી બારડોલીમાં હેરાનગતી સાથે લોકોને બ્લેકમેલ કરતા ઇસમો વિરુદ્ધ લોકોમાં ભારે રોષ છવાયો છે તેવા સમયે તેઓ વિરુદ્ધ કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500