Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અયોધ્યામાં પ્રભુ શ્રી રામ લલ્લાને માં શબરીના વંશજ એવી ડાંગની આદિજાતિની બહેનો બોરનો હાર ભેટ ધરશે

  • January 19, 2024 

સેંકડો વર્ષોના સંઘર્ષ અને ઘર્ષણ બાદ પ્રભુ શ્રી રામ લલ્લા અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં નિજગૃહે બિરાજમાન થઈ રહ્યા છે. જેનો ઉત્સાહ પ્રત્યેક દેશવાસીઓમાં પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે માં શબરીના વંશજ એવા ડાંગના આદિજાતિ પ્રજાજનો પણ, નોખી અને અનોખી રીતે તેમનો ભક્તિભાવ પ્રગટ કરી, પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલો તેમનો અતૂટ નાતો પ્રદર્શિત કરી રહ્યા છે.


શ્રી રામ લલ્લાને દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી અનેકવિધ નીતનવી ચીજવસ્તુઓની ભેટ સોગાદો ભાવિક ભક્તો મોકલી રહ્યા છે. ત્યારે માં શબરી અને પ્રભુ શ્રી રામ તથા ભ્રાતા શ્રી લક્ષ્મણજીના મિલન સાથે સંકળાયેલી દંડકારણ્યની પાવનભૂમિ માં રહેતા ડાંગના ભીલ, વારલી, કુનબી, તથા આદિમજૂથના પ્રજાજનોએ પણ 'બોર નો હાર' તૈયાર કરી તેમની ભક્તિ, શક્તિ, અને પ્રભુ શ્રી રામ પ્રત્યેની આસ્થા પ્રગટ કરી છે.


ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોની આદિવાસી બહેનોએ છેલ્લા પંદર દિવસ અગાઉથી ગામના નિયત કરાયેલા જાહેર સ્થળે એક જ સમયે એકત્ર થઈ, ખૂબ જ ભક્તિપૂર્ણ માહોલમાં ૧૦૮ બોરની એક એક માળા તૈયાર કરી છે. પ્રત્યેક બોર ઉપર પોતાના આરાધ્ય દેવ પ્રભુ શ્રી 'રામ' નું નામ લખી, એક એક બોરને ડ્રિલ મશીનથી કાણા પાડી, તેને માળામાં પરોવાયા છે.


દંડકારણ્યના ગામે ગામ 'રામ નામ' નું ઘેલુ લગાડનારા પ્રયોશા પ્રતિષ્ઠાનના સ્થાપક શ્રી પી.પી.સ્વામીજીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ૩૧૧ ગામોના ૩૬ જેટલા શક્તિ કેન્દ્રોમાં દરેક ગામના બહેનો મંદિરમાં એકત્ર થાય, ત્યાં તેમને નવનિર્મિત શ્રી રામ મંદિર વિશે વિગતે જાણકારી આપવામાં આવે, પછી પુષ્પ અને અક્ષતથી સંકલ્પ કરાવવાની સેવા વનવાસી કથાકાર બંધુઓ દ્વારા કરવામાં આવે, અને રામધૂન સાથે વનવાસી બહેનો રામ સ્મરણ કરતા કરતા પ્રત્યેક બોર પર રામ નામ લખે, દરેક ગામમાં ૧૦૮ બોર પર 'રામ નામ' લખેલો હાર તૈયાર થાય, એવી રીતે તમામે તમામ ૩૧૧ ગામોમાં સૂક્ષ્મ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં હજારો આદિવાસી બહેનોએ ઉત્સાહથી જોડાઈને પોતાને રામ કાર્યની આ તક મળી, તેની ધન્યતા અનુભવી છે.


આ કાર્યમાં માલેગામ શાળાના ગૃહપતિના નેતૃત્વ હેઠળ સંસ્થાના ૬૦ જેટલા સમર્પિત સ્વયં સેવકો દ્વારા તમામ બોરને સારી રીતે છેદ કરવાની સેવા સંપન્ન કરી, આ અદભુત ભક્તિપૂર્ણ શિલ્પકૃતિ સમી વિશિષ્ટ માળાને, સામુહિક પુરુષાર્થ થકી તૈયાર કરવામાં આવી છે.


આ માટે જેટલા બોરનો ઉપયોગ થયો છે તેના કરતાં પાંચ ઘણા બોર નો વ્યય પણ થયો છે. નાનકડા બોર ઉપર 'રામ નામ' લખવા સાથે તેમાં છેદ કરવુ એ લાગે તેટલું સહેલું કામ નથી. ત્યારે દંડકારણ્યના જંગલ વિસ્તારના ગામોમાંથી સૂકા બોર એકત્ર કરવાનું કપરું કાર્ય પણ આ બહેનોએ પાર પાડ્યું છે તેમ સ્વામીજીએ વધુમાં ઉમેર્યું હતું.


આગામી તા.૨૨મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ લલ્લા પોતાના ઘરે બિરાજશે તેના બીજા જ દિવસે એટલે કે તા.૨૩ જાન્યુઆરીએ, માં શબરીના વંશજ એવા ડાંગના ભીલ, વારલી, કુનબી, તથા આદિમજૂથ સમાજના એક એક મહિલા પ્રતિનિધિ, ડાંગી બોલીમાં 'રામ કથા' ના માધ્યમથી ભારતિય સનાતન સંસ્કૃતિના સંસ્કાર બીજનું વાવેતર કરી રહેલા, અને ડાંગના દીકરી એવા 'યશોદા દીદી' ની આગેવાની હેઠળ અયોધ્યા જઈને, આ 'બોર ની માળા' પ્રભુના ચરણોમાં અર્પણ કરશે, તેમ પણ સ્વામીજીએ વાતનું સમાપન કરતા જણાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, સને ૧૯૯૮થી ડાંગ જિલ્લામાં ખાસ કરીને શિક્ષણ અને સેવાની ધૂણી ધખાવનાર 'પ્રયોશા પ્રતિષ્ઠાન' ના સ્થાપક શ્રી પી.પી.સ્વામીજી, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે અનેકવિધ સેવા પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. તેઓ હજારો લોકોને સેવા પ્રવૃત્તિઓ માટે પ્રેરણા પણ પુરી પાડી રહ્યા છે. ત્યારે અયોધ્યાના નવનિર્મિત શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પણ, ડાંગ જિલ્લાની આદિવાસી બહેનોને આ ભક્તિ કાર્યમાં જોડીને સ્વામીજીએ, સમગ્ર ડાંગ જિલ્લામાં ઉત્સાહ અને ભક્તિનું એક અનોખું વાતાવરણ સર્જ્યુ છે.


અયોધ્યાના શ્રી રામ મંદિર માટે  દેશના અનેક સ્થળોએથી વિવિધ ચીજ વસ્તુઓ ભાવપૂર્વક અર્પણ કરવામાં આવી રહી છે ત્યારે, રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો પણ, આ દિવ્ય પ્રસંગમાં સામેલ થઈ ભક્તિ પુષ્પ અર્પણ કરી દિવ્યતા અનુભવી રહ્યો છે.


અયોધ્યા મોકલતા પહેલા દંડકારણ્યના ગ્રામીણ ક્ષેત્રમાં આવેલા શ્રી હનુમાનજી મંદિરે દર્શન કરી 'રામ નામ' ના આ 'બોર ના હાર' નો રથ, રામધૂન સાથે ખૂબ જ ભક્તિમય માહોલમાં ગ્રામજનોને 'રામ મય' બનાવી અયોધ્યા તરફ રવાના કરાયો છે. જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ એટલે કે તા.૨૩મી જાન્યુઆરી 'બોર નો હાર' પ્રભુ શ્રી રામ લલ્લાના ચરણોમાં સમર્પિત કરાશે. અહેવાલ : મનોજ ખેંગાર


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application