અમદાવાદમાં હોલસેલના વેપારીને નોકરી મેળવવા માટે યુવતીએ સંપર્ક કરીને વાતચીત કરી મળવા માટે બોલાવ્યા બાદ મળતીયાઓ મારફતે કારમાં તેનું અપહરણ કરીને પોલીસની ઓળખ આપી કડી પાસેના ખેતરમાં લઈ જઈ માર મારીને ૧.૨૦ લાખની મત્તા લૂંટી લેવામાં આવી હતી. એટલું જ નહીં એક કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના જુહાપુરા ખાતે રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને નરોડા ખાતે ફ્ટનો હોલસેલ વેપાર કરતા વસીમ શબ્બીરભાઈ મોઘલનો કાયનાત સૈયદ નામની યુવતીએ નોકરી મેળવવા માટે વોટ્સએપના માધ્યમથી સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો.
જ્યાં યુવતી અને વેપારી અમદાવાદના ગુરુદ્વારા ખાતે ભેગા થયા હતા અને કાફેમાં ગયા હતા. આ દરમિયાન તેણે રાજસ્થાન ફરવા જવાની પણ ઓફર કરી હતી પરંતુ આ વેપારીએ ના પડી હતી. જોકે ફરીવાર આ બંને જણા ભેગા થયા ત્યારે તે વેપારીની કારમાં બેસી ગઈ હતી અને તેની સાથે રાત રોકાઈ જવાની વાત કરી હતી પરંતુ વેપારીને મોડું થતું હોવાથી તેણે અડાલજ ઉતારવાની વાત કરી હતી. આ દરમિયાન ફોન આવતા તેણે કહ્યું હતું કે મમ્મી હું વસીમ સર જોડે છું. તે મૂકવા આવી રહ્યા છે. આ મુદ્દે બન્ને વચ્ચે રકઝક પણ થઈ હતી. કાયનાત ઉલ્ટી થવાનો ડોળ કરવા લાગી હતી. જેથી પેથાપુરના ઘરે મૂકી જવા તેણીએ કહ્યું હતું. અમદાવાદથી તેઓ આવી રહ્યા હતા ત્યારે ઘ-૬ સર્કલ પાસે વસીમે કાર રોકી દીધી હતી. એવામાં કાયનાતે કોઈને ફોન કરીને જલ્દી લેવા આવવા બોલાવ્યા હતા.
દસ મિનિટમાં એક કાર આવી હતી. જેમાથી ચાર માણસોએ ઉતરીને પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ પોલીસ તરીકે આપી કોઈને ફોન કરી બંને મળી ગયાની જાણ કરી હતી. બાદમાં આ છોકરી ત્રણ મહીનાથી મીસીગ હોવાનુ જણાવી પોલીસ સ્ટેશન જવાનું કહી બંન્નેને ગાડીમાં બેસાડી દીધા હતા. વસીમને કડી કેનાલથી થોડેક આગળ કટોસણ ખાતે કોઇ ખેતરમા લઈ ગયા હતા. ત્યા છોકરીને ઉતારી મૂકી હતી. જ્યાં બીજા પાંચ છ શખ્સો અગાઉથી હાજર હતા. બાદમાં વસીમની કાર ચેક કરી તેમાંથી ૧૨ હજાર રોકડા, તેમજ દીરહામ ૬૦૦ તેમજ એક ઘડિયાળ અને ફોન મળીને ૧.૨૦ લાખ રૃપિયાની મત્તા લૂંટી લેવામાં આવી હતી. એટલું જ નહીં એક કરોડ રૃપિયાની ખાંડણી પણ માંગવામાં આવી હતી. જોકે ત્યારબાદ આ શખ્સો નીકળી ગયા હતા અને વસીમનો મિત્ર પોલીસ સાથે ત્યાં પહોંચ્યો હતો. હાલ આ મામલે સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને યુવતી સહિતના આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500