રાજ્યમાં કૂદકે ને ભૂસકે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં દરરોજ હજારો લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિકના નિયમનું પાલન થતું ન હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, નેશનલ હાઇવે ઑથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાતપણે કરાવવામાં આવે અને પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.
ટ્રાફિક નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતાં નથી, દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટને લઈને બેદરકારી રાખશો નહીં, ફરજિયાત આ નિયમનું પાલન કરાવો. એટલું જ નહીં પાછળ બેસનાર માટે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ કર્યો હતો. વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે, 15 દિવસમાં એસ.જી.હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ.
અધિકારીઓના મનસ્વી વર્તનને ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, ટ્રાફિક સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાનો યોગ્ય અમલ થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો. પરંતુ વાહન ચાલકો વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500