ડાંગ જિલ્લામા આગામી ચોમાસાને ધ્યાને લઈને યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેકટરએ તા.૧લી જુનથી ડીઝાસ્ટર શાખા સહિત વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાય અને પાણી પુરવઠા, તથા વીજ વિભાગના ખાસ કંટ્રોલરૂમ શરુ થશે. જેમા જે કર્મચારી/અધિકારીઓને ફરજ નિયુક્ત કરવામા આવી રહ્યા છે, તેમને તેમની ફરજ ખુબ જ ચોકસાઈ સાથે બજાવવાની પણ સુચના આપી છે. જિલ્લામા વરસાદની પરિસ્થિતિ તથા આકાશી વીજળી પડવાની ઘટનાઓ, ધસમસતી નદીઓ અને કોતરડાઓમા કોઈ પશુ કે માનવ મૃત્યુના બનતા બનાવો, વરસાદ અને વાવાઝોડાને કારણે ગ્રામીણજનોના જાનમાલને થતુ નુકશાન, આવશ્યક સેવાઓને થતી વિપરીત અસરો, ખાસ કરીને ચોમાસામા બનતા સર્પદંશના બનાવો સહિતની આરોગ્ય વિષયક સેવાઓ, સંદેશ વ્યવહાર, અને વીજળીની સેવાઓ ખોરંભે ન પડે તેની તકેદારી દાખવવાની પણ સૌ લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપી હતી.
આ ઉપરાંત જિલ્લાની સામાજિક, સેવાભાવી સંસ્થાઓના સ્વયસેવકો, તરવૈયાઓ વિગેરેની યાદી અધ્યતન કરવા સાથે પ્રાથમિક શાળા, છાત્રાલયો, આંગણવાડી કેન્દ્રો સહિતના આકસ્મિક આશ્રય સ્થાનો, એસ.ટી. નિગમની બસોની સેવાઓ, સહીત પોલીસ અને વન વિભાગના વાયરલેસ સેટ, તથા વોકીટોકીનો ઈમરજન્સીમા ઉપયોગ કરવા જેવા મુદ્દે જરૂરી પરામર્શ કરાયો હતો. કલેકટર ભાવિન પંડયાએ ચોમાસા દરમિયાન જિલ્લાની તમામ કચેરીના અધિકારી/કર્મચારીઓને ફરજના સ્થળે હાજર રહેવા પણ સુચના આપી છે.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જિલ્લામા થતા જાનમાલના નુકશાનીના કેસોમા ચુકવાતી સહાય જેવા કેસોમા હાથ ધરવાની કાર્યપદ્ધતિની સમજ આપી હતી. નાયબ વન સંરક્ષક સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ તથા નીલેશ પંડ્યાએ ચોમાસા દરમિયાન વન વિસ્તારોમા વિવિધ સરીસૃપો તથા જંગલી પ્રાણીઓથી ગ્રામજનોના જાનમાલને નુકશાની ન થાય તે માટે રાખવાની તકેદારી બાબતે પ્રકાશ પાડ્યો હતો.નાયબ પોલીસ અધિક્ષક વસાવાએ ચોમાસાની ખુબસુરતીને માણવા આવતા પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓ દ્વારા નદી, નાળા, ધોધ, સહીતના સ્થળોએ જોખમી સેલ્ફી, કે ફોટોગ્રાફી કરવા સાથે ટ્રાફિક નિયમન બાબતે ઉપયોગી સૂચનો કરી તેના નિવારણ બાબતના પગલાઓની જાણકારી આપી હતી.
બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરે જિલ્લાના તમામ વિભાગોને તેમની કામગીરી અંગેના એક્શન પ્લાન તૈયાર કરી તેની એક નકલ ડીઝાસ્ટર શાખાને મોકલી આપવા સાથે, તમામ કચેરીઓના કર્મચારીઓ અને વાહનોની વિગતો તાત્કાલિક મોકલી આપવા પણ અનુરોધ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500