કોઈ વિવાહિત મહિલાને બળજબરીથી ગર્ભવતી કરવી એ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટ હેઠળ બળાત્કાર માની શકાય છે તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી કરતાં આદેશ આપ્યો હતો. આ સાથે સુપ્રીમે કહ્યું કે, અવિવાહિત મહિલાઓ પણ કોઈપણ મંજૂરી વિના 24 સપ્તાહ સુધીમાં ગર્ભપાત કરાવી શકે છે. સુપ્રીમે સ્પષ્ટ કર્યું છે કે, વિવાહિત અથવા અવિવાહિત દરેક મહિલાઓને સુરક્ષિત ગર્ભપાતનો અધિકાર છે. આમ સુપ્રીમે મહિલાઓને ગર્ભપાત અને શરીર પર અધિકાર અંગે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.
મહિલાનાં ગર્ભપાત અંગેનાં અધિકારો અંગે મહત્વપૂર્ણ ચૂકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, વિવાહિત કે અવિવાહિત સહિત બધી જ મહિલાઓને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટ હેઠળ પ્રેગ્નન્સીના 24 સપ્તાહ સુધી સલામત અને કાયદાકીય ગર્ભપાતનો અધિકાર છે અને મહિલાના વૈવાહિક દરજ્જાના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવો એ બંધારણીય રીતે અયોગ્ય છે.
ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડનાં અધ્યક્ષપદે બેન્ચે જણાવ્યું કે, વિવાહિત મહિલાઓ પણ બળાત્કાર પીડિતા હોઈ શકે છે. બળાત્કારનો અર્થ હોય છે કે મંજૂરી વિના સંબંધ બાંધવો અને પાર્ટનર દ્વારા હિંસા પણ એક હકીકત છે. આવા કિસ્સાઓમાં મહિલા બળજબરીથી ગર્ભવતી પણ થઈ શકે છે. બેન્ચે કહ્યું કે, આ રીતે વિવાહિત મહિલા બળજબરીથી સેક્સના પગલે ગર્ભવતી થાય તો તેને પણ બળાત્કાર કહી શકાય છે. કોઈપણ પ્રકારની પ્રેગ્નન્સી જેમાં મહિલા કહે કે આ બળજબરીથી થઈ છે તો તેને બળાત્કાર માની શકાય છે.
ન્યાયાધીશો એસ.બોપન્ના અને જેપી પારડીવાલાને સમાવતી બેન્ચે એમટીપી એક્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોઈ અવિવાહિત મહિલા પણ 24 સપ્તાહ સુધીનાં સમયમાં કોઈપણ મંજૂરી વિના ગર્ભપાત કરાવી શકે છે. એમટીપી એક્ટના વર્તમાન નિયમ મુજબ છૂટાછેડા લીધેલી અથવા વિધવા મહિલાઓ ગર્ભવતી બન્યાના 20 સપ્તાહ પછી ગર્ભપાત કરાવી શકતી નથી જ્યારે અન્ય મહિલાઓને 24 સપ્તાહ સુધીમાં ગર્ભપાતની મંજૂરી અપાઈ છે.
આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ કાયદો સંકુચિત પિતૃસત્તાત્મક રૂઢીઓના આધાર પર ભેદભાવ કરી શકે નહીં. તેનાથી કાયદાનો આત્મા જ ખતમ થઈ જશે. પ્રેગ્નન્સી રાખવી કે ગર્ભપાત કરવો એ મહિલાની પોતાના શરીર પર અધિકાર સાથે સંકળાયેલી બાબત છે. અવિવાહિત મહિલાને સલામત ગર્ભપાત કરાવવાનો ઈનકાર કરવો એ તેની વ્યક્તિગત સ્વાયત્તતા અને સ્વતંત્રતાનો ભંગ છે. સુપ્રીમે વિવાહિત અને અવિવાહિત મહિલાઓ વચ્ચે ગર્ભપાતના અધિકારનો ભેદ દૂર કરતા તેના ચૂકાદામાં કહ્યું કે એમટીપી એક્ટથી અવિવાહિત મહિલાઓને લિવ-ઈન રિલેશનશિપથી બહાર કરવી ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મહિલા પાસેથી આ અધિકાર આંચકી લેવો તે તેના ગૌરવને કચડી નાંખવા સમાન છે. સુપ્રીમે 25 વર્ષની એક સિંગલ યુવતીની અરજી પર સુનાવણી કરતાં આ ચૂકાદો આપ્યો હતો. યુવતી 24 સપ્તાહની ગર્ભવતી હતી અને દિલ્હી હાઈકોર્ટે તેને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી નહોતી. જોકે, સુપ્રીમ કોર્ટે 21મી જુલાઈએ જ આ કેસમાં યુવતીને રાહત આપતા ક્હયું હતું કે મેડિકલી તે ગર્ભપાત કરાવવાની સ્થિતિમાં હોય તો તે એવું કરી શકે છે. ત્યારે કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ પર વિચાર કરવાની વાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500