વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. બેઠક પછી કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આ નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીની રકમ 200થી રૂપિયાથી વધારી 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દીધી છે. હવે ઉજ્જવલાનાં લાભાર્થીઓને ગેસ સિલિન્ડર 600 રૂપિયામાં મળશે. કેબિનેટે તેલંગણા અને આંધ્રપ્રદેશની વચ્ચે કૃષ્ણા નદી જળ વિભાજન અંગે કૃષ્ણા જળ વિવાદ ટ્રિબ્યુનલને વધારાની ટર્મ ઓફ રેફરન્સ આપી છે. આ ટ્રિબ્યુનલ કૃષ્ણા નદી પર બનનારા તમામ પ્રોજેક્ટને આધારે પાણીની વહેંચણી કરશે. આ ઉપરાંત કેબિનેટે તેલંગણામાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીને મંજૂરી આપી છે. આ યુનિવર્સિટી 889 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ સાથે જ કેબિનેટે અંડમાન નિકોબાર, દાર નગર હવેલી અને લક્ષદ્વીપ માટે ભાડૂઆતના નવા નિયમોને મંજૂરી આપવામાં આવી છે.
આનાથી મકાન માલિકોને ભાડા પર મકાન આપવા, મકાન બનાવવા અને ખરીદવા માટે પ્રોત્સાહન મળશે. ભાડા પર મકાન આપતા પહેલા મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે રેન્ટ એગ્રીમેન્ટ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એગ્રીમેન્ટની લેખિત સૂચના રેન્ટ ઓથોરિટીને આપવામાં આવશે. મકાન માલિક અને ભાડૂઆત પોતાની સંમતિથી ભાડુ નક્કી કરશે. સાથે જ વિવાદના ઉકેલ માટે ફાસ્ટ ટ્રેકની વ્યવસ્થા કરવામાં આવશે. બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બે મહિના સુધી ભાડુ ચુકવવામાં નહીં આવે તો મકાનનો કબજો મકાન માલિકને સોંપી દેવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યુ હતું કે, કેબિનેટે નેશનલ ટરમરિક બોર્ડ બનાવવાની મંજૂરી આપી છે. વડાપ્રધાને આ અંગેની જાહેરાત તેલંગણામાં જ કરી દીધી હતી. આ નિર્ણયથી તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિશા, આસામ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરેના ખેડૂતોને ફાયદો થશે. ભારતમાંથી હળદરની નિકાસ 2030 સુધી વધારી 1 અબજ ડોલર કરવાની યોજના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500