ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં સરકારની કરોડો રૂપિયાની જમીન ઉપર દબાણો ઊભા થઈ ગયા છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સવારનાં સમયે પોલીસને સાથે રાખીને ઘ-૦થી રિલાયન્સ ચોકડી સુધીનાં વિસ્તારમાં ગેરકાયદે ઊભા થઈ ગયેલા છાણી પીણી બજારના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને ૧૫થી વધુ લારી ગલ્લા જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
પાટનગર ગાંધીનગર શહેરમાં માર્ગોની આસપાસ તેમજ સરકારની ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં લારી ગલ્લાના દબાણો ઊભા થઈ ગયા છે. જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન પણ સર્જાતો રહે છે આ સ્થિતિને કારણે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સવારનાં સમયે પોલીસને સાથે રાખીને ઘ-૦થી રિલાયન્સ ચોકડી સુધીનાં વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા આ વિસ્તારમાં દબાણોને કારણે ગંદકી વધુ પ્રમાણમાં જોવા મળી હતી. જેના પગલે કોર્પોરેશન ૧૫ જેટલા લારી ગલ્લા જપ્ત કરી લીધા હતા તેમજ ૧૩૮ ખુરશી ૨૦ ટેબલ પણ કબજે કરવામાં આવ્યા હતા. ફરીવાર અહીં દબાણ ના થાય તે માટે આ લારીઓ પરત નહીં આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના કારણે દબાણ કારોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે. આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવાનો સંકેત આપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500