ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજ મત ગણતરી ચાલી રહી છે, ત્યારે મતગણતરી પહેલા હાર્દિક પટેલે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બની રહી છે. તેમણે કહ્યું કે EVM ખુલ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે. હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં આ વખતે ભાજપ 135-145 બેઠકો જીતશે.
જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી વિરમગામ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યા છે,જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડ પાછળ ચાલી રહ્યા છે.હાર્દિક પટેલને જયારે પૂછવામાં આવ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો શું મંત્રી પદ મળવાની વાત થઈ છે? તેના પર હાર્દિક પટેલે કહ્યું કે અંતિમ પરિણામ આવવા દો, શું તમે લોકોએ પહેલેથી જ સોપારી લઈ રાખી છે? બીજી તરફ હાર્દિક પટેલે ભાજપ સરકાર વિશે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોમાં રાજ્યમાં કોઈ રમખાણો થયા નથી, શાંતિ છે અને તેથી જ ભાજપ ફરી આવશે.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલ 12 માર્ચ 2019ના રોજ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. કોંગ્રેસમાં પ્રાથમિક સદસ્યતા લેવાથી હાર્દિક પટેલ કાર્યકારી પ્રદેશ પ્રમુખ બન્યો. જો કે કોંગ્રેસમાં તેમની સફર માત્ર 16 મહિના જ ચાલી. બીજી તરફ ગુજરાત ચૂંટણી 2022 પહેલા જ હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાવાના સમયે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર હતા.
બીજી તરફ ગુજરાતના વિરમગામ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે.નોંધનીય છે કે ગુજરાતમાં 182 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ આજે સાંજ સુધીમાં આવી જશે. અત્યારે તો ભાજપ 145 બેઠકો પર આગળ ચાલી રહી છે. બીજી તરફ, જો 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો, ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500