તાપી જિલ્લા સહિત વાલોડ તાલુકામાં ઠેરઠેર ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ધમધમી રહ્યા છે. ઈંટના ભઠ્ઠા સંચાલકો ઈંટ બનાવવા માટે બેફામ બની લાકડા અને કોલસાનો ઉપયોગ કરી ખુલ્લેઆમ પ્રજા અને પ્રકૃતિને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે તેમ છતાં જવાબદારો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી, જોકે આ સમગ્ર કારોબાર સરપંચ અને તલાટીની સીધી દેખરેખ હેઠળ થતો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાલોડ તાલુકાના ડુમખલમાં તો સૌથી વધુ ઈંટ ભઠ્ઠા ધમધમી રહ્યા છે તેમજ ભીમપોર, કણજોડ, કોસંબીયા, કુંભિયા, બહેજ અને મોરદેવી સહિતના અનેક ગામોના રસ્તાઓની બાજુમાં આવેલ ખેતરોમાં ઠેરઠેર અનેક નાના મોટા બેરોકટોક ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ધમધમી રહ્યા છે. ઈંટના ભઠ્ઠા સંચાલકો વાલોડના ગરીબ અને આદિવાસી ખેડૂતોને ભોળવીને જમીન લેવલિંગ કરી આપવાના બહાને જમીનમાલિકોના નામે ઈંટ પાડવાની પરવાનગી અરજી કરી ઈંટના ભઠ્ઠાઓ ઠપકારી બેસાડતા હોય છે. જે બાદ ગેરકાયદે રીતે જમીન ખોદાણ કરી લાખો ઈંટ પાડીને વેપાર કરતા હોય છે.
ગેરકાયદે ઈંટ ભઠ્ઠાના સંચાલકો ઈંટ પાડવા અને પકવવા માટે વાલોડ તેમજ તાલુકાને અડીને આવેલ મહુવા તાલુકાના જંગલોમાંથી લાકડા, માટીની ચોરી કરતા આવ્યા છે તથા ઈંટના ભઠ્ઠાઓને ગરમ કરવા ખનીજ કોલસો તથા શેરડીનો વેસ્ટેજ ભુકો ઉપયોગ કરતા આવ્યા છે. એટલું જ નહી એકપણ ઈંટના ભઠ્ઠાઓમાં ચીમની લગાવવામાં આવી નથી, જેના કારણે દુર્ગંધયુક્ત તથા માનવશરીર માટે નુકસાનકારક ધુમાડો વાતાવરણમાં ફેલાતા લોકોના આરોગ્ય તથા પ્રકૃતિ અને જંગલી પ્રાણીઓને નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.
બીજી તરફ ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચલાવતા સંચાલકો મુખ્ય રસ્તા પરથી જમીન પર ઈંટના ભઠ્ઠાઓ ચલાવતા હોવાથી ઈંટના ભઠ્ઠામાંથી ઉડતી રાખ અને ધુળ લોકોના આરોગ્ય અને આંખને નુકસાન પહોંચાડી રહી છે તથા વાહનચાલકોએ આંખમાં ધૂળ અને રાખ જવાથી વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે. આમ ગામના સરપંચ અને સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈને તાલુકાતંત્રની મહેરબાનીથી ઠેર ઠેર બેરોકટોક ઈંટના ભઠ્ઠા ચાલી રહ્યા છે. ત્યારે આ બાબતને ગંભીરતા લઈને જિલ્લા કલેકટરશ્રી તપાસના આદેશ આપે તે જરૂરી બન્યું છે.(ફોટો-કુંદન પાટીલ,બાજીપુરા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500