ISRO એ આજે તેના ટ્વિટર પર નવો વીડિયો શેર કર્યો છે. જેમાં ચંદ્રયાન-3 રોવર લેન્ડરથી ધીમે ધીમે નીચે ઉતરીને ચંદ્ર પર ફરતું જોવા મળે છે. ચંદ્રયાન-3નાં રોવર પછી પ્રજ્ઞાન હવે ચંદ્રની સપાટી પર ચાલી રહ્યું છે. લેન્ડરે ન માત્ર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું, પરંતુ ભારતને ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ પણ બનાવ્યો છે. આ દરમિયાન ઈસરોએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટચડાઉન પહેલા વિક્રમ લેન્ડરને ચંદ્ર કેવો દેખાયો હતો. ગતરોજ પણ ISROએ તેના ટ્વિટર હેન્ડલ પર 2 મિનિટ 17 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો.
જેમાં ISROએ લખ્યું છે કે, ‘લેન્ડર ઈમેજર કેમેરાએ ટચડાઉન પહેલા ચંદ્રની તસવીર કેપ્ચર કરી હતી’ હાઈ-રેઝોલ્યુશન ઈમેજર કેમેરામાંથી ચંદ્રની સુંદર સપાટી વીડિયોમાં જોવા મળે છે. જેમ જેમ લેન્ડર નીચે જાય છે તેમ તેમ ચંદ્રની સપાટી વધુ સ્પષ્ટ થતી જાય છે. ક્લિપમાં વિક્રમ લેન્ડર લેન્ડિંગ સમયે છેલ્લી અમુક સેકન્ડમાં ધીમી ગતિએ ચંદ્ર સપાટી પર લેન્ડ થતું જોઈ શકાય છે ચંદ્રયાન-3નું લેન્ડિંગ ચાર તબક્કામાં થયું હતું. રફ બ્રેકિંગ, એલ્ટિટ્યુડ હોલ્ડ, ફાઈન બ્રેકિંગ અને વર્ટિકલ ડિસેન્ટ. આ તમામ પ્રક્રિયા ખૂબ જ સચોટ રીતે થઇ હતી. રોવરના બે પેલોડ, પાણી અને અન્ય કિંમતી ધાતુઓની શોધમાં કરીને ડેટા એકત્રિત કરશે અને તેને લેન્ડરને મોકલશે.
વિક્રમ લેન્ડર આ ડેટાને પૃથ્વી પર ટ્રાન્સમિટ કરશે. ચંદ્રયાન-2નું ઓર્બિટર પણ ડેટા પહોંચાડવામાં મદદ કરશે. ચંદ્રયાન મિશનની લાઈફ એક ચંદ્ર દિવસની છે. ચંદ્રનો એક દિવસ એ પૃથ્વીનાં 14 દિવસ બરાબર છે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 14 દિવસ સુધી ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર રિસર્ચ કરશે. વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર સૂર્યપ્રકાશમાં જ કામ કરી શકે છે, જેથી ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર અંધારું થઈ જતા, તે 14 દિવસ પછી નિષ્ક્રિય થઈ જશે. જયારે 14 દિવસમાંથી હાલ બે દિવસ વીતી ગયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500