ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનનાં વિજ્ઞાનીઓએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવીને ઈતિહાસ રચી દીધો હતો. આ અદ્વિતીય કાર્ય બદલ ઈસરોનો દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. ત્યારે હવે આ ચંદ્રયાન-3ની ઐતિહાસિક સિદ્ધિ બદલ ઈન્ટરનેશનલ સ્પેસ ફેડરેશન (ISF) દ્વારા વર્લ્ડ સ્પેસ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત સિવાય અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીનના યાન જ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે.
ઈટાલીના મિલાનમાં 14 ઓક્ટોબરે 75મી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોન્ફરન્સ (IAC)ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. નોંધનીય છે કે, ભારત ચંદ્રયાન-3ને 2023ની 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નીજીક સફળ લેન્ડિંગ કરવાનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. આ અંગે ફેડરેશને જણાવ્યું હતું કે, 'ઇસરો દ્વારા ચંદ્રયાન-3 મિશન વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને કોસ્ટ ઈફેક્ટિવ એન્જિનિયરિંગના સમન્વયનું ઉદાહરણ આપે છે.
તે શ્રેષ્ઠતા માટે ભારતની પ્રતિબદ્ધતા અને અવકાશ સંશોધન માનવતાને પ્રદાન કરે છે તેવી પ્રચંડ સંભાવનાનું પ્રતીક છે. આ મિશન નવીનતાનું વૈશ્વિક પ્રમાણ છે. ચંદ્રયાન-3ની અનેક સિદ્ધિઓમાંની એક ભારતના અવકાશ અને પરમાણુ ક્ષેત્રોનું સફળ સંકલન હતું. જેમાં મિશનનું પ્રોપલ્શન મોડ્યુલ પરમાણુ ટેક્નિક દ્વારા સંચાલિત હતું. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-3 લેન્ડિંગની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500