સમગ્ર વિશ્વએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું કે, વર્ષ 2024 ગગનયાન મિશનની તૈયારીઓનું વર્ષ રહેશે. આ ઉપરાંત આ વર્ષે ISROએ 12-14 મિશન લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. PSLV-C58 એક્સપોસેટ મિશનના સફળ લોન્ચિંગ બાદ મીડિયા સાથે વાત કરતા એસ સોમનાથે આ વાત કહી હતી. એસ સોમનાથે કહ્યું કે, 2024 ગગનયાનની તૈયારીઓનું વર્ષ રહેશે. આ સાથે જ અમે હેલિકોપ્ટરથી ડ્રોપ ટેસ્ટ પણ કરીશું જેમાં પેરાશૂટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે. આ જ રીતે અનેક ડ્રોપ ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત ઘણા વેલ્યુએશન પરીક્ષણો પણ કરવામાં આવશે.
આ સાથે જ અમે આ વર્ષે GSLV પણ લોન્ચ કરીશું. ISRO ચીફે કહ્યું કે, આ વર્ષે અમે ઓછામાં ઓછા 12 મિશન લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હાર્ડવેરની ઉપલબ્ધતાને આધારે આ સંખ્યામાં વધારો થઈ શકે છે. એક્સપોસેટ સેટેલાઈટ મિશન વિશે વાત કરતા એસ સોમનાથે કહ્યું કે, આ એક ખાસ મિશન છે કારણ કે, એક્સરે પોલરિમેટ્રી એક વિશેષ વૈજ્ઞાનિક ક્ષમતા છે જેને અમે ખુદ વિકસિત કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, આવા 100 વૈજ્ઞાનિકો તૈયાર કરવામાં આવે જે એ સમજી શકે અને પછી બ્લેક હોલ વિશે અમારી માહિતીમાં વધારો કરી શકે.
સોમનાથે કહ્યું કે આદિત્ય L1 તારીખ 6 જાન્યુઆરીના રોજ L1 પોઈન્ટ પર પહોંચી જશે. ગગનયાન મિશન હેઠળ ISRO મનુષ્યને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ મિશન હેઠળ ત્રણ લોકોની ટીમને અંતરિક્ષમાં પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવામાં આવશે અને પછી તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. વર્ષ 2025માં આ મિશનને લોન્ચ કરવાનું લક્ષ્ય છે. અગાઉ આ મિશન વર્ષ 2022માં લોન્ચ થવાનું હતું પરંતુ કોરોના મહામારી અને મિશનની જટિલતાને કારણે તેમાં વિલંબ થયો હતો. જો ISROનું ગગનયાન મિશન સફળ થશે તો ભારત આમ કરનાર અમેરિકા, ચીન અને સોવિયત સંઘ પછી ચોથો દેશ બની જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500