ચંદ્રયાન-૩ની સફળતાની ઊજવણીમાં આખો દેશ હજુ હિલોળે ચઢેલો છે ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૩ની સફળતાની ઊજવણી પૂરી કરીને કામે લાગી ગયા છે.ઈસરોએ શનિવારે આગામી પાંચ મહિનામાં ત્રણ પ્રોજેક્ટની એક સાથે જાહેરાત કરી દીધી છે. ચંદ્ર મિશનની સફળતાના ૧૦ જ દિવસમાં ઈસરોએ હવે સૂર્ય તરફ છલાંગ લગાવી છે. ઈસરો લગભગ બીજી સપ્ટેમ્બરે આદિત્ય-એલ૧ મિશન લોન્ચ કરશે. ત્યાર પછી ઈસરો ઑક્ટોબરના પહેલા અથવા બીજા સપ્તાહમાં ગગનયાન મિશન હેઠળ મહિલા રોબોટ 'વ્યોમ મિત્ર'ને અવકાશમાં મોકલશે. ઈસરો નાસા સાથે મળીને ૨૯ જાન્યુઆરીએ નિસાર સેટેલાઈટ છોડશે.
ચંદ્રયાન-૩ની સફળતા સાથે ભારતની અને ઇસરોના પ્રતિભાશાળી વિજ્ઞાનીઓનો કીર્તિધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાઇ રહ્યો છે.હવે ઇસરોએ એક સાથે ત્રણ નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે.ઇસરોનાં સૂત્રોએ આજે જાહેરાત કરી છે કે ભારતનો સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનો પહેલો આદિત્ય -એલ૧ સેટેલાઇટ આગામી સપ્તાહે ૨ , સપ્ટેમ્બરે બપોરે ૧૨ :૩૦ વાગે અફાટ અંતરીક્ષમાં તરતો મૂકવા માટે તૈયારી થઇ ગઇ છે. સેટેલાઇટ ગઇ ૧૪,ઓગસ્ટે શ્રીહરિકોટાના સ્પેસ સ્ટેશને પણ આવી ગયો છે. આદિત્ય- એલ૧ સેટેલાઇટ પૃથ્વીથી દૂર ૧૫ લાખ કિલોમીટરના અંતરે લાગ્રાન્ગ પોઇન્ટ-૧ પર ગોઠવાશે. આદિત્ય - એલ૧ સેટેલાઇટને પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-સી૫૭ (પીએસએલવી-સી-૫૭) પ્રકારના રોકેટ દ્વારા અંતરીક્ષમાં તરતો મૂકાશે.
આદિત્ય-એલ ૧ નો હેતુ સૂર્યના ત્રણ હિસ્સા-ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, કોરોના (સૂરજની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે)નો ગહન અભ્યાસ કરવાનો છે. સૂર્યમાં થતી અકળ અને ભયાનક ગતિવિધિની અસર પૃથ્વી પર કેવી અને કેટલી અસર થાય છે તેનો અમે અભ્યાસ કરવા ઇચ્છીએ છીએ.જોકે આ અત્યંત ગહન બાબતને સમજવા અમે છેલ્લાં ૧૫ વરસથી વીઇએલસી નામનું વૈજ્ઞાનિક ઉપકરણ બનાવી રહ્યા હતા.
આદિત્ય-એલ ૧ના સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેના સૌથી મહત્વનું વૈજ્ઞાનિક ઉપકરણ વિઝિબલ લાઇન અમિશન કોરોનાગ્રાફ (વીઇએલસી) તમામ ટેકનિકલ પાસાં સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (આઇઆઇએ) દ્વારા તૈયાર થઇ ગયું છે.આઇઆઇએના વિજ્ઞાનીઓએ વીઇસીએલ ઉપકરણ સત્તાવાર રીતે ઇસરોને સોંપ્યું છે.આદિત્ય-એલ૧માં કુલ સાત વૈજ્ઞાનિક ઉપકરણો છે, જેમાંથી છ ઉપકરણ ઇસરોએ બનાવ્યાં છે.આદિત્ય-એલ૧ સેટેલાઇમાં સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (એસ.યુ.આઇ.ટી.સ્યુઇટ) નામનું વિશિષ્ટ ટેકનોલોજી ધરાવતું ટેલિસ્કોપ પણ છે. આ ટેલિસ્કોપ ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઇ.યુ.સી.એ.એ.-આઇયુકા,પુણે)ના પ્રતિભાશાળી વિજ્ઞાનીઓએ બનાવ્યું છે.આઇયુકાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે સ્યુઇટ ટેલિસ્કોપ પ્રોજેક્ટમાં કુલ ૩૦૦ વિજ્ઞાનીઓ સંકળાયેલા છે.
આ ટેલિસ્કોપ દ્વારા સૂર્યના સંશોધન સાથોસાથ પૃથ્વીના વાતાવરણમાંના ઓઝોન વાયુ અને ઓક્સિજન વાયુના પ્રમાણ વિશે ઉપયોગી જાણકારી અને ઇમેજીસ પણ મળશે. ઉપરાંત,સૂર્યમાંથી ફેંકાતાં પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ રેઝ)ના પ્રમાણની પણ સચોટ માહિતી આપશે. આ જ પારજાંબલી કિરણોની વેધક અસરથી માનવીને ચામડીનું કેન્સર થાય છે. ઉપરાંત,સ્યુઇટ ટેલિસ્કોપ દ્વારા સૂર્યની સપાટીના તાપમાન કરતાં પણ તેની બાહ્ય કિનારી કોરોનાનું તાપમાન શા માટે વધુ હોય છે ? તથા સૌર જ્વાળાઓના કલ્પનાતીત તાપમાન વિશે ઉપયોગી માહિતી મળશે.
લાગ્રાન્ગ પોઇન્ટ -૧ પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. લાગ્રાન્ગ પોઇન્ટ -૧ની વિશિષ્ટતા એ છે કે આ પોઇન્ટ પર સૂર્ય અને પૃથ્વી બંનેનું ગુરુત્વાકર્ષણ બળ એક સમાન થઇ જાય છે.આવી વિશિષ્ટ કુદરતી પરિસ્થિતિને કારણે આદિત્ય-એલ૧ને સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણની કોઇ જ અસર નહીં થાય. પરિણામે તે સતત પાંચ વરસ સુધી કોઇપણ જાતના અવરોધ વગર ઉત્તમ કામગીરી કરી શકશે.
ઇસરોનાં સૂત્રોએ એવી વિશિષ્ટ માહિતી આપી હતી કે હાલ વિશ્વના અમુક દેશનાં કોરોનાગ્રાફ પણ કાર્યરત છે.આમ છતાં તે બધાંની સરખામણીએ ઇસરોનું વીઇએલસી સૂરજની બાહ્ય કિનારી કોરોનાની ૧.૦૫ ગણી વધુ સુક્ષ્મ ઇમેજ (છબી) લઇ શકશે જેથી ઇસરોના વિજ્ઞાનીઓ તેનો વધુ ગહન અભ્યાસ કરી શકશે.સૂર્યની બાહ્ય કિનારી કોરોના સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓ માટે સૌથી અકળ પાસું રહ્યું છે. કારણ એ છે કે સૂરજની વિરાટ થાળીનું તાપમાન ૫,૭૭૮ કેલ્વિન(સૂર્યના કે કોઇપણ તારાના તાપમાન માટે કેલ્વિન શબ્દ વપરાય છે) છે જ્યારે તેની બાહ્ય કિનારી કોરોનાનું ઉષ્ણતામાન ૧૦ લાખ ડિગ્રી કેલ્વિન હોય છે. ખગોળશાસ્ત્રીઓ આ રહસ્ય શોધી રહ્યા છે.
ભારત સરકારના અર્થ સાયન્સ વિભાગના પ્રધાન જિતેન્દ્ર સિંહે આજે એવી જાહેરાત કરી હતી કે ઇસરો ગગનયાન પ્રોજેક્ટના એક ખાસ પ્રયોગરૂપે તેને વ્યોમ મિત્ર રોબોટને ૨૦૨૩ના ઓક્ટોબરના પહેલા અથવા બીજા સપ્તાહમાં અંતરીક્ષમાં મોકલશે.વ્યોમ મિત્ર રોબોટ એક યુવતીના સ્વરૂપમાં છે.ગગનયાનમાં ભારતના ત્રણ અવકાશયાત્રીઓ પહેલી જ વખત પૃથ્વીથી ૪૦૦ કિલોમીટરના અંતરે સતત ૭૨ કલાક સુધી રહેશે. અવકાશયાત્રીને અવકાશમાં મોકલવાની સાથે તેમને પાછા લાવવા પણ એટલા જ જરૂરી છે.
અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસા અને ભારતની ઇસરો દ્વારા પહેલી જ વખત વિકસાવવામાં આવેલો નાસા ઇસરો સિન્થેટિક એપેર્ચર રાડાર (એનઆઇએસએઆર -નિસાર) સેટેલાઇટ ૨૦૨૪ની ૨૯, જાન્યુઆરીએ શ્રીહરિકોટાથી તરતો મૂકાશે. નિસાર સેટેલાઇટ નાસાની જેટ પ્રપલ્ઝન લેબોરેટરી (કેલિફોર્નિયા)થી અમેરિકાના હવાઇ દળના ખાસ વિમાન સી-૧૭ દ્વારા બેંગ્લુરુ લાવીને ઇસરોને સત્તાવાર રીતે સોંપવામાં આવ્યો છે.
નિસાર દર ૧૨ દિવસે પૃથ્વીના વિશાળ ગોળાનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને તેનો ખાસ પ્રકારનો નકશો તૈયાર કરશે. આ નકશામાં પૃથ્વીના પેટાળમાંના ભૂખંડોમાં થઇ રહેલી અકળ ગતિવિધિ, જ્વાળામુખીમાં થઇ રહેલી જોખમી ગતિવિધિ, એન્ટાર્કટિકામાં ઓગળી રહેલી બરફની વિશાળ કદની પાટો અને હિમશીલાઓમાં તથા હિમાલય અને યુરોપની બરફીલી પર્વતમાળાની હિમ નદીઓમાં થઇ રહેલા ફેરફાર, મહાસાગરો અને સમુદ્રોની સપાટીમાં થઇ રહેલો વધારો, ગાઢ જંગલો, પર્વતો, કૃષિની જમીનમાં થઇ રહેલા ફેરફાર તથા પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધી રહેલું પ્રમાણ અને તેની સમગ્ર જીવસૃષ્ટિ પર કેવી કેવી અસર થાય છે વગેરે પાસાંનો મહત્વનો અને ઉપયોગી સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે. કહેવાનો અર્થ એ છે કે અમારો નિસાર સેટેલાઇટ ખરેખર તો અત્યાધુનિક વેધશાળાની વિશિષ્ટ કામગીરી કરશે. નિસાર પૃથ્વીથી ૭૪૭ કિલોમીટરના અંતરે રહીને અર્થ ઓબ્ઝર્વેશનની વિશિષ્ટ કામગીરી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024