IIT દિલ્હી, મુંબઈ, કાનપુરનાં સ્ટૂડન્ટ્સને રેકોર્ડબ્રેક 4 કરોડનાં વાર્ષિક પેકેજની ઓફર થઈ છે. તે ઉપરાંત IIT ગુવાહાટીનાં સ્ટૂડન્ટને પણ 2.5 કરોડનું વાર્ષિક પેકેજ ઓફર થયું છે. IITમાં આ પ્લેસમેન્ટે નવો રેકોર્ડ તોડયો છે. ટોચની મલ્ટિનેશનલ કંપનીઓ આ કેમ્પસ ઈન્ટરવ્યૂમાં ભાગ લઈ રહી છે અને આ કેમ્પસ ઈન્ટરવ્યૂ 15મી ડિસેમ્બર સુધી ચાલશે. IIT દિલ્હી, મુંબઈ, કાનપુરમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ યોજાઈ રહ્યાં છે, જેમાં સ્ટૂડન્ટ્સને 4 કરોડ રૂપિયા સુધીનાં પેકેજની ઓફર થઈ છે. તા.1 ડિસેમ્બરથી જોબ પ્લેસમેન્ટ્સ શરૃ થયા છે, જે 15મી સુધી ચાલશે.
એમાં ગૂગલ, જેપી મોર્ગન, માઈક્રોસોફ્ટ, ઉબર, ટાટા સ્ટીલ, બજાજ, ક્વાલકોમ, ઈન્ટેલ, મેવરિક, ડેરિવેટિવ્સ, સ્પ્રિંકલર, ક્વાન્ટબોક્સ જેવી કંપનીઓ ભરતી કરી રહી છે. એક તરફ દુનિયાભરમાં કર્મચારીઓની છટણીનો દોર ચાલી રહ્યો છે ત્યારે ભારતીય IIT સ્ટૂડન્ટ્સે ઐતિહાસિક પેકેજ મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. લગભગ એક હજાર વિદ્યાર્થીઓને રેકોર્ડ બ્રેક પેકેજથી નોકરીની ઓફર મળી છે. IIT ગુવાહાટીનાં એક સ્ટૂડન્ટને સર્વોચ્ચ 2.5 કરોડનું પેકેજ ઓફર થયું છે.
એ સાથે જ IIT ગુવાહાટીનાં ઈતિહાસમાં રેકોર્ડ તૂટયો છે. તે સિવાય ઘણાં સ્ટૂડન્ટ્સને 1.1 કરોડનું વાર્ષિક પેકેજ પણ મળ્યું છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી કેમ્પસ ઈન્ટરવ્યૂ થઈ શક્યા ન હતા. ઈન્ટરવ્યૂ ઓનલાઈન યોજાયા હતા. એ પછી યોજાયેલા આ વર્ષના કેમ્પસ ઈન્ટરવ્યૂમાં નવા રેકોર્ડ તૂટયા છે. કેમ્પસ ઈન્ટરવ્યૂ કરી રહેલી કંપનીઓમાં 78 સ્ટાર્ટઅપ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. કુલ 264 કંપનીઓએ જોબ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
IIT ગુવાહાટીમાંથી જ 170 વિદ્યાર્થીઓને તોતિંગ પેકેજનો પ્રસ્તાવ મળ્યો છે. તે સિવાય હજુ 470 વિદ્યાર્થીઓને નોકરી મળે એવી શક્યતા છે. શરૂઆતના તબક્કામાં 80 લાખથી લઈને 4 કરોડ સુધીના વાર્ષિક પેકેજ ઓફર થતાં IIT સ્ટૂડન્ટ્સમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. એક તરફ દુનિયાભરમાં IIT કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે IITનાં સ્ટૂડન્ટ્સ નવો રેકોર્ડ સર્જી રહ્યા છે તેને નિષ્ણાતો ભારતીય IIT માટે સારી નિશાન ગણાવી રહ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500