Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારના પ્રોત્સાહન થકી ૭૪ વર્ષની ઢળતી ઉંમરે મેં ઢીંગલી આર્ટની કળા ફરી સજીવન કરી - ભારતીબેન શાહ,લાભાર્થી

  • August 01, 2022 

૧૯૬૫માં વડોદારામાં હું ઢીંગલી આર્ટ શીખી હતી. ત્યાર બાદ થોડો સમય આ કામ અવિરત રહ્યું પરંતુ પારીવારીક જવાબદારીના કારણે આ આર્ટને કોરાણે મુકવું પડયું. પરંતુ હાલ સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનના કારણે ૭૪ વર્ષની ઢળતી વયે મારી કળાને મે ફરી સજીવન કરી છે, અને સખી મેળાના માધ્યમથી લોકો સમક્ષ મુકી રહી છું .તેવું ભુજ ખાતે વંદે ગુજરાત પ્રદર્શન- સખી મેળામાં ભાગ લેનારા ભુજના ભારતીબેન શાહે જણાવ્યું હતું.



નાનપણથી કાપડ અને અન્ય વસ્તુઓમાંથી ઢીંગલી-ઢીંગલા બનાવવાનો શોખ હતો. જેના કારણે વર્ષ ૧૯૬૫માં વડોદરામાં ખાસ ઢીંગલી આર્ટની તાલીમ લીધી હતી. જે બાદ વિવિધ શણગાર સાથે ઉર્મીઓ પ્રદર્શીત કરતી તથા નૃ્ત્યની અંગભંગિકા સાથેની ઢીંગલી બનાવવાનું શરૂ કર્યુ. આ સમયે હું અન્યોને આ કળાની તાલીમ પણ આપતી હતી. જેથી વિસરાતી જતી આ કળાને ફરી જીવંત કરી શકાય. પરંતુ મારા અંગત કારણોસર આ કામ આગળ વધારી શકી નહી. જો કે, હાલ સરકાર પ્રતિભાશાળી મહિલાઓને સખી મંડળ અને સખી મેળાના માધ્યમથી બિઝનેસ કરવા અને પ્રોડકટના વેંચાણમાં મદદરૂપ થઇ રહી હોવાથી મારા પુત્રોના કહેવાથી મારા શોખને ફરી જીવંત કર્યો છે.



૭૪ વર્ષની વયે ફરી આકાશને આંબવા હું ઉત્સુક બની છું. હાલ હું લાકડા, કાપડ,કલર, માટી તથા અન્ય સુશોભનની વસ્તુની મદદથી વિવિધ શણગાર સજેલી ઢીંગલીઓ બનાવી રહી છું. આ કળા એવી છે કે, મહિલા શિક્ષિત ન હોય તો પણ પોતાની સુઝબુઝથી ઢીંગલી આર્ટમાં અવનવું કરી શકે છે. અન્યોને પણ આ કળાની તાલીમ આપવા હું ઇચ્છા ધરાવું છું. આ કળા સાથે વિવિધ વાસણો જેવા પાણીની હેલ, થાળી, થાળ, આરતીની ડીશ વગેરે પર પેઇન્ટીંગ કરવાનું કામ પણ કરું છું.



તેઓ ઉમેરે છે કે, અત્યારસુધી અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં યોજાયેલા સખી મેળામાં ભાગ લઇ ચુકી છું. જેના કારણે વેંચાણ તથા લોકોનો ખુબ સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે. સરકાર મહિલાઓ માટે આટલી ચિંતિત બની આ પ્રકારના મેળા આયોજીત કરી રહી છે તે બિરદાવાલાયક કામગીરી છે. સરકારના આવા આયોજન થકી મારા જેવી મોટી ઉંમરની મહિલાઓને પણ કંઇ કરવાની હોંશ થઇ રહી છે. જેના કારણે વૃધ્ધાઅવસ્થા બોજરૂપ નહીં પરંતુ ઉત્સાહરૂપ બની ગઇ છે. આવા સરસ આયોજન માટે હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application