કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ વિદાય લઈને ભાજપ તરફ મંડાણ કર્યા છે. આવામાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું મોટનું નિવેદન સામે આવ્યું છે. વડોદરામાં એક કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, હું છું ને સહેવાગ, હું લાકડા તોડ બેટિંગ કરીશ. ચિંતા ન કરશો. જેને જવું હોય એ તો ગયા. હું હવે વિવિયન રિચાર્ડસની જેમ બેટિંગ કરવાનો છું.
વડોદરા જનસમિતિ દ્વારા ગત રોજ ‘આજે જાતિગણના કેમ’ એ વિષય પર કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તેમાં જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, સમગ્ર દેશ અને ગુજરાતમાં આદિવાસી, ઓબીસી અને દલિતોની સાચી જનસંખ્યાનો આંકડો જો બહાર આવે તો પછી સવાલ ઉભો કરી શકાય કે દેશની જમીનોમાં, સંસાધનોમાં, પ્રોપર્ટીમાં, સત્તાના કેન્દ્રોમાં, ન્યાય તંત્રમાં કેટલી સંખ્યામાં દલિત, આદિવાસી અને ઓબીસી છે. જે લોકો સત્ય છુપાવવા માંગે છે, જે લોકોના પેટમાં ચોરી છે, જે લોકો દલિત, આદિવાસી અને ડીએનટી સહિતના વંચિત વર્ગોને ન્યાય અપાવવા નથી માંગતા. એ લોકો જાતિ ગણનાથી બચી રહ્યાં છે. અમે ખુલીને કહીએ છીએ કે, જાતિ ગણના થવી જોઈએ. જેથી જાતિઓની સાચી માહિતી બહાર આવે. તે પ્રમાણે બજેટમાં તેમના માટે ફાળવણી થાય.
આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો મળશે તે વિશે મેવાણીએ કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સારી બેઠકો આવશે. આ વખતે 26-0 નહિ થવા દઈએ. અમે ખૂબ મહેનત કરી રહ્યાં છીએ. પરંતું કોંગ્રેસમાંથી ઘણા બધા લોકો ગયા છે. આ વચ્ચે પણ કોંગ્રેસ માટે મતદાન અકબંધ રહેશે. દરેક જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, મહોલ્લા કક્ષાએ કોંગ્રેસના જે કાર્યકરો છે તેમણે દ્રોહ નથી કર્યો. પરંતુ જ પ્રજા દ્રોહીઓ છે, તેમને ગુજરાતની જનતાએ સબક શીખવાડવો જોઈએ. આજે AAP અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક બેઠક મળશે. બંને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ બેઠક કરશે. બેઠકમાં ગઠબંધન અને ચૂંટણી પ્રચાર પર ચર્ચા થઈ શકે છે. ચાર વાગ્યા બાદ બેઠક મળશે.
મહત્વનું છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે. જેમાં ભાવનગર અને ભરૂચ બે લોકસભા બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. બંને બેઠકો પરથી આમ આદમી પાર્ટીએ વર્તમાન ધારાસભ્યોને મેદાને ઉતાર્યા છે. ભાવનગરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તો ભરૂચથી ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500