એક તરફ ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા JN-1 વેરિએન્ટે ચિંતા વધારી છે ત્યારે જ આશાનાં કિરણ રૂપે હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે કોરોનાના અત્યાર સુધીના તમામ વેરિએન્ટ સામે અકસીર પ્રતિરોધક પુરવાર થાય તેવી યુનિવર્સલ વેક્સિન વિકસાવવાની તૈયારી શરુ કરી દીધી છે. વાસ્તવમાં ગયાં વર્ષે જ ભુવેશ્વર કલિતાનાં વડપણ હેઠળની સંસદીય સમિતિએ કેન્દ્ર સરકારનાં આરોગ્ય મંત્રાલયને તમામ વેરિએન્ટ સામે અકસીર પુરવાર થાય તેવી યુનિવર્સિલ વેક્સિન વિકસાવવી જોઈએ તેવી ભલામણ મોકલી હતી. તે પછી સરકારે આઈસીએમઆર પાસેથી કોરોનાના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા તથા ઓમિક્રોન એમ તમામ કોરોના વેરિએન્ટનો ડેટા મેળવી તે ભારત બાયોટેકને મોકલી દીધો છે.
આ ઉપરાંત બીજી તરફ કોરોનાના સામે આવી રહેલા નવા ને નવા વેરિએન્ટસની અસરો સમજવા માટે આઈસીએમઆર તથા નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી દ્વારા સંયુક્ત રીતે સતત અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સંસદીય સમિતિનો અહેવાલ મંગળવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. તે પછી સરકારે જણાવ્યું હતું કે, કમિટીની ભલામણ અનુસાર તમામ ડેટા ભારત બાયોટેકને મોકલી દેવાયા છે અને તેના વિજ્ઞાનીઓ હવે તમામ વેરિએન્ટ સામે અસરદાર પુરવાર થાય તેવી વેક્સિન તૈયાર કરી રહ્યા છે. વિશ્વભરમાં વ્યાપક રીતે વેક્સિનેશન હાથ ધરાયા પછી પણ કોરોના કેસોમાં સમયાંતરે ઉછાળો આવતો રહે છે.
થોડા થોડા સમયે કોઈને કોઈ વેરિએન્ટ જોર પકડે છે. નિષ્ણાતોનાં જણાવ્યા અનુસાર વાયરસનું ઈવોલ્યુશન થઈ રહ્યું હોવાથી આવું બની રહ્યું છે. હાલ ભારતમાં JN-1 વેરિએન્ટના કારણે ચિંતા વધી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ આ વેરિએન્ટ ચિંતાની બાબત હોવાનું કહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર આ વાયરસ ખાસ કરીને જે દેશોમાં શિયાળો શરુ થઈ રહ્યો છે ત્યાં કોવિડ કેસોમાં ઉછાળાનું કારણ બની શકે છે. ભારતમાં સૌ પહેલાં કેરળમાં આ વેરિએન્ટના કેસો દેખાયા હતા. તે પછી ગોવામાં અને મહારાષ્ટ્રમાં પણ તેના કેસો મળ્યા છે. અત્યા સુધીમાં દેશમાં આ વેરિએન્ટના 19 કેસોની પુષ્ટિ થઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500