આણંદના સામરખા ગામે પતિ કોઈ કામકાજ ન કરતો હોવાથી પત્નીએ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. પરિણામે ૧૪ દિવસની સારવાર બાદ પત્નીનું મોત નિજપ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે પતિ સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ પાંચમાં એડીશનલ સેશન્સ જજ, આણંદની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા પતિને આજીવન કેદની સજા ફટકારી હતી.
સામરખા ગામે ઈન્દીરાનગરી વિસ્તારમાં રહેતો અશ્વિનભાઈ માધાભાઈ વાઘેલા (ઉં.વ.૨૧) કોઈ કામધંધો કરતો ન હોવાથી તેની પત્ની હીનાબેને તા.૧૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સવારે ઠપકો આપ્યો હતો. જેથી અશ્વિને ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલ્યા હતા. તેમજ ઝપાઝપી કરીને પત્નીના પેટમાં ચપ્પુના ઘા ઝીંક્યા હતા. પરિણામે ઈજાગ્રસ્ત પત્નીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની સર્જરી પણ કરવામાં આવી હતી. જોકે, ૧૪ દિવસની સારવાર બાદ તા. ૨૪ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ હીનાબેનનું મોત નિપજ્યું હતું.
આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે મૃતકના કાકા રમણભાઈ ભીખાભાઈ પરમાર (રહે. સંજાયા, ટેમલીપુરા, તા. પેટલાદ) સામે સાપરાધ માનવ વધની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તા.૨૪ ઓગસ્ટે આરોપીની અટકાયત કરી હતી. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તાજેતરમાં આ કેસ પાંચમાં એડીશનલ સેશન્સ જજ, આણંદની કોર્ટમાં ચાલી ગયો હતો. પાંચમાં એડીશનલ સેશન્સ જજ, આણંદ એસ.કે. વ્યાસ દ્વારા વકીલોની દલીલો, ૨૩ મૌખિક પુરાવા અને ૪૦ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ અશ્વિનભાઈ વાઘેલાને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ છ હજારનો દંડનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500