અમદાવાદના દેત્રોજ તાલુકાના કરણપુરા ગામના મહિલા સરપંચના પતિને એસીબીએ રૂ.દસ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. સ્મશાનની દીવાલનું બીલ મંજૂર કરવા માટે આરોપીએ બીલની રકમના દસ ટકા લાંચ માંગી હતી. રકઝકના અંતે રૂ.10 હજાર આપવાનું નક્કી થયા બાદ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
એસીબીની ટીમે દેત્રોજ તાલુકાની અમૃત બા હોસ્પિટલની બહાર ચાની કીટલી પર રૂ.દસ હજારની લાંચ સ્વીકારતા કિશનજી કેશાજી ઠાકોરને ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી કિશનજીની પત્ની હેતલબહેન કરણપુરા ગામના સરપંચ છે. ફરિયાદીએ ગ્રામ પંચાયતની સ્મશાનની દીવાલ બનાવવાનું કામ કર્યું હતુ. આ કામનું બીલ મંજૂર કરવા માટે સરપંચના પતિએ બીલની રકમના દસ ટકા લેખે રૂ.12,500ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ સરંપચ હેતલબહેનના ઘરે જઈ પતિ-પત્ની સાથે વાત કરી રકઝકના અંતે રૂ.10 હજારની લાંચ આપવાનું નક્કી થયું હતું. બનાવ અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા સરપંચ હેતલબહેનના પતિ કિશનજી ઠાકોરને લાંચનું છટકું ગોઠવીને પકડી લેવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500