સુરત જિલ્લાનાં માંડવી તાલુકામાં એક ચોકાવનારી ઘટના સામે આવતાં પંથકમાં ચકચાર મચી છે. જેમાં પતિ-પત્ની વચ્ચે કામ પર જવા બાબતે બોલાચાલી થઇ હતી અને બાદમાં પત્ની રિસાઈને ઘરેથી નીકળી ગયી હતી. તે દરમિયાન પતિ અને સાસુ તેને મનાવવા ગયા હતા. આ દરમિયાન સાસુની લાશ નહેરના પાણીમાંથી મળી આવી હતી. જયારે પતિ અને પત્નીની કોઈ ભાળ મળી નથી. ઘટના અંગે માંડવી પોલીસ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, માંડવી તાલુકામાં રહેતા કાળીદાસભાઈ છગનભાઈ ગામીત મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે તેઓ હાલમાં પત્ની શીલાબેન, પુત્ર નરેશ ઉર્ફે નીતેશ તથા પુત્રવધુ ઉજાલા ઉર્ફે મનીષા સાથે રહે છે. તેમના પુત્રના લગ્ન 1 વર્ષ અગાઉ જ થયા છે. તેઓનો પુત્ર અગાઉ તડકેશ્વર ખાતે ફેક્ટરીમાં નોકરી પર જતો હતો. પરંતુ હાલમાં છેલ્લા છએક મહિનાથી નોકરી પર જવાનું છોડી દીધું હતું. દરમિયાન ગતરોજ નરેશ અને તેની પત્ની વચ્ચે કામ પર જવા બાબતે બોલાચાલી થઇ હતી. જેથી નરેશની પત્ની ઉજાલા ઉર્ફે મનીષા રિસાઈને ઘરેથી ચાલતા ચાલતા કાકરાપાર ડાબા કાંઠા નહેર તરફ જતા તેને રોકવા માટે તેનો પતિ નરેશ અને સાસુ શીલાબેન બાઈક લઈને ગયા હતા. પરંતુ મોડે સુધી ત્રણેય વ્યક્તિઓ ઘરે નહી આવતા કાળીદાસભાઈ પણ તેઓને શોધવા ગયા હતા.
આ દરમિયાન દીકરા નરેશની બાઈક તથા તેના ચપ્પલ વાઘનેરા ગામની સીમમાં ગામીત ફળિયા નજીકથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા નહેરની પાળ પરથી મળી આવ્યા હતા. નોંધનીય છે કે, દરમિયાન સાસુ શીલાબેનની લાશ સાંજના સાડા છએક વાગ્યાનાં સુમારે અમલસાડી ગામની સીમમાં નહેરના પાણીમાંથી મળી આવી હતી. પરંતુ દીકરા નરેશ અને પુત્રવધુની તપાસ કરતા કોઈ ભાળ મળી આવી ન હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા પણ પાણીમાં પુત્ર અને પુત્રવધુની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી. બનાવ અંગે માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500