એક પત્ની તેના પતિને જાહેરમાં વારંવાર અપમાનિત કરતી હતી, એટલુ જ નહીં પતિ પર નપુંસકતાનો પણ આરોપ લગાવ્યો હતો. જેને પગલે પતિ દ્વારા પત્નીથી છૂટાછેડા લેવામાં આવ્યા હતા. બાદમાં પત્નીએ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. હાઇકોર્ટે આ છૂટાછેડાને યોગ્ય ઠેરવ્યા હતા. સાથે જ પત્નીના આ પ્રકારના વ્યવહારને ક્રૂરતા ગણાવી હતી. નીચલી કોર્ટે છૂટાછેડાને મંજૂર કર્યા હતા તે નિર્ણયને હાઇકોર્ટે બહાલ રાખ્યો છે. જોકે આ દરમિયાન આકરી ટિપ્પણી પણ કરી હતી.
હાઇકોર્ટના ન્યાયાધીશ સુરેશ કુમાર કૈતની અધ્યક્ષતામાં બેંચે પતિ પત્નીના સંબંધો પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, એક પતિ કે પત્ની બંને પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ એકબીજાનું સન્માન કરે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એકબીજાની સુરક્ષા માટે ઢાલ તરીકેનું કામ કરે. વારંવાર એકબીજાના ચરિત્ર પર સવાલો ઉઠાવવા અને અપમાનીત કરવાથી સામેની વ્યક્તિ માનસિક પીડામાંથી પસાર થાય છે. આ કેસમાં પત્ની પર આરોપ છે કે, તેણે પતિને તેની ઓફિસમાં જઇને જાહેરમાં બધા લોકોની વચ્ચે અપમાનીત કર્યો હતો.
આ ખરેખર દુ:ખદ બાબત છે કે, આ કેસમાં પતિને તેની પત્નીએ જાહેરમાં અપમાનીત કર્યો, મૌખિક રીતે તેના પર પ્રહાર કર્યો. પતિ જ્યારે ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે બધા લોકોની સામે તેના પર પત્ની બેવફાઇના આરોપો લગાવવા લાગી. એટલુ જ નહીં પત્નીએ પતિની સાથે કામ કરતી ઓફિસની અન્ય મહિલાઓને પણ પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતું. તેની ઓફિસમાં પતિને એક મહિલાવાદી ચિતરવાનો પ્રયાસ પણ થયો. આ કેસમાં પત્ની દ્વારા પતિ સાથે જે વ્યવહાર રાખવામાં આવ્યો તે અત્યંત ક્રૂરતા ગણાય. જેના આધારે છૂટાછેડા આપવાનો ફેમેલી કોર્ટનો નિર્ણય યોગ્ય છે. પતિએ એવો પણ દાવો કર્યો હતો કે, મારી પત્નીએ મારા પર નપુંસક હોવાના આરોપો લગાવ્યા અને તેનો ટેસ્ટ કરાવવા માટે પણ મજબૂર કર્યો, જે પણ ક્રૂરતાની કેટેગરીમાં આવે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500