રાજ્ય સરકારનાં નવા જંત્રીના દરો અમલી બને તે પૂર્વે એટલે કે તારીખ 15 એપ્રિલ પહેલા દસ્તાવેજોની નોંધણી કરાવીને જુની જંત્રીનાં દર પ્રમાણે સ્ટેમ્પ ડયુટી ભરવા માટે લોકો ઉતાવળા બન્યા છે. સરકાર દ્વારા જાહેર રજાનાં દિવસોમાં પણ કચેરી ચાલુ રાખી કામગીરી કરવામાં આવતા મિલકતની ખરીદી કરનારાનો ધસારો વધ્યો છે અને નોંધણી તથા દસ્તાવેજ માટે ટોકન મુજબ બોલાવવામાં આવે છે. જેમાં પણ કચેરી દ્વારા આપવામાં આવતા ટોકનમાં 60 જેટલા ટોકન પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. આણંદ જિલ્લાની મુખ્ય રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજોની નોંધણી માટે લોકોનો ધસારો વધ્યો છે અને પ્રતિ દિન 70થી 100 જેટલા દસ્તાવેજોની સબરજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરવામાં આવી રહી છે.
નવી જંત્રીનાં ભાવ વધારાથી બચવા રોજના અંદાજે 100 ઉપરાંત મિલકત ધારકો રજિસ્ટ્રેશન માટે આપતા હોય છે. જ્યાં દસ્તાવેજ પેજનું સ્કેનીંગ, સહીઓ કરવા માટે સાક્ષીઓના રેકોર્ડ અને સ્કેનર માટે એક જ સ્કેનર મશીન હોવાથી રજિસ્ટ થયેલા દસ્તાવેજો મળવામાં થોડો વિલંબ થઈ રહ્યો હોવાનું જાગૃતો જણાવી રહ્યાં છે. કચેરી સૂત્રોનાં જણાવ્યા મુજબ, નવી જંત્રીના ભાવ હજી સુધી જાહેર કરાયા નથી. તેમજ અગાઉ જાહેર રજાના દિવસોમાં કચેરી ખાતે થયેલ દસ્તાવેજોનો ભરાવો પણ થયો છે.
કચેરીમાં એક જ સ્કેનર હોવાથી દસ્તાવેજના રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં બે થી પાંચ દિવસનો વિલંબ થતો હોય છે. જોકે આપેલ ટોકન મુજબ કામની પતાવટ ક્રમ મુજબ કરવામાં આવે છે. જોકે સમગ્ર પ્રક્રિયાના જાણકારોના જણાવ્યા મુજબ બિલ્ડરો દ્વારા જે-તે મેમ્બર્સને મિલકતના અપાતા એલોટમેન્ટના દસ્તાવેજોની પેજની સંખ્યા વધુ હોય છે અને રજીસ્ટ્રેશન માટે આવતા બાનાખત પણ વધુ પેજના હોય છે. સામાન્ય જનતા દ્વારા મિલકતની ખરીદી અને વેચાણના કરવામાં આવતા દસ્તાવેજોના પેજની પણ સંખ્યા વધુ હોય છે. આ તમામ દસ્તાવેજોનું કામ વધતા કચેરીએ ભારણ વધુ રહે છે. હવે નવા દસ્તાવેજો નોંધવા માટે પણ ટોકન આપવામાં આવે છે. જેની સંખ્યા ઘટાડી દેવામાં આવતા મુશ્કેલી ઉભી થઈ છે. તેમાંય કચેરી ખાતે એક જ સ્કેનર હોવાથી સ્કેનીંગ કરવામાં લાંબો સમય લાગી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500