બિહાર રાજ્યના દરભંગામાં એક ખુબજ કરુણ દુર્ઘટના સર્જાઇ હતી, એક લગ્ન સરઘસમાં ફટાકડાના કારણે એક ઘરમાં આગ લાગી હતી. જેના કારણે એક જ પરિવારના છ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, દરભંગા જિલ્લાના અલીનગર બ્લોકના અંતોર ગામમાં બની હતી. અહી ગામમાં લગ્ન પ્રસંગ ચાલતો હતો. આ દરમિયાન લોકો લગ્નમાં ફટાકડા ફોડી રહ્યા હતા. દરમિયાન કોઈક રીતે ફટાકડાના તણખાને કારણે ઘરમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ એટલી બધી ફેલાઈ ગઈ કે તેને ઓલવવી મુશ્કેલ બની ગઈ.
આગ ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડર સુધી પહોંચી અને થોડી વાર પછી સિલિન્ડર ફાટ્યો. આ પછી દરવાજા પર રાખવામાં આવેલા ડીઝલના ડ્રમમાં પણ આગ લાગી હતી, જેના કારણે મામલો વધુ ભયાનક બન્યો હતો અને પછી થોડીજ વારમાં આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા.
આખા ઘરનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ દરમિયાન આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ ઘટનામાં એક જ પરિવારના છ લોકો આગની લપેટમાં આવી ગયા હતા, જેના કારણે તેઓના મોત થયા હતા. આ મામલાને લઈને ડીએમ રાજીવ રોશને કહ્યું કે ટીમ ઘટનાની તપાસ માટે રવાના થઈ ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500