નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા અમુક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે,જેથી લોકોને કાળઝાળ ગરમી અને બફારાથી રાહત મળી છે. લોકો પણ વરસાદી માહોલની મજા માણી રહ્યા છે. પરંતુ,બીજી તરફ આ વરસાદી વાતાવરણ કેટલાક લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યું છે.નવસારીમાં સતત વરસાદ પડતા એક મકાન ધરાશાયી થતા 7 લોકોના જીવ પર જોખમ મંડરાયું હતું,જોકે,આ દુર્ઘટનામાં તમામનો આબાદ બચાવ થયો હોવાની માહિતી મળી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા જલારામ મંદિરની સામે તલાવિયા પરિવાર રહે છે. વરસાદ પડતા તલાવિયા પરિવારનું મકાન ધરાશાયી થયું. મકાન કાચુ હોવાથી પડ્યું હતું, જેના કારણે તમામ ઘરવખરી અને સામાનને નુકસાન પહોંચ્યું છે. રાહતની વાત એ છે કે આ ગોઝારી દુર્ઘટનામાં પરિવારના 7 લોકોનો આબાદ બચાવ થયો છે. આરોપ છે કે મકાન જર્જરિત થતા સંબંધિત વિભાગમાં નવા મકાન માટે અરજી કરવામાં આવી હતી.
અરજી કરવા છતાં પગલાં ન લેવાયાનો આરોપ
પરંતુ,આ અરજી પર કોઈ પગલા ન લેવાતા વરસાદ પડતા જર્જરિત મકાન પડી ગયું છે. સરકાર દ્વારા આ વિસ્તારમાં સરવે કરવામાં આવે તેવી માગ હવે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે. હજું તો ચોમાસું શરૂ થયું છે ત્યારે એક મકાન ધરાશાયી થયું છે. ત્યારે જર્જરિત મકાનોમાં રહેતા લોકો સામે એક મોટો સવાલ ઊભો થયો છે. જણાવી દઈએ કે,હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500