સૌરાષ્ટ્રના વૌંઠાના મેળામાં જેમ ગધેડાઓની બજાર ભરાય છે, તેમ મહારાષ્ટ્રના નાસિકમાં ઘોડાબજાર ભરાય છે. જોકે આ બજાર દર મંગળવારે ભરાતી હોય છે. પરંતુ દશેરા પૂર્વેના મંગળવારના દિવસે અહીંની બજારમાં દેશ-દેશાવરના ઘોડા વેચવાલી માટે રજૂ કરવામાં આવે છે. આ મંગળવારે પણ નાસિકની આ ઘોડાબજારમાં પંજાબ, રાજસ્થાન સહિત દેશભરના ઘોડાના શોખીનોએ ખરીદી-વેચાણ માટે ભીડ જમાવી હતી. જેમાં આશરે છ લાખ સુધીના ઘોડાની વેચવાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. એક ઘોડાની તાકત અને તેની સુંદરતા સહિતના અન્ય ગુણોએ તેના માલિકને છ લાખ સુધીની રકમ અપાવી છે.
કહેવાય છે કે ઉત્સાહ અને આનંદની કોઈ કિંમત હોતી નથી. આથી ગમે તેટલા લાખની કિંમત હોય તોય આગવી છટા અને તાકાત ધરાવતાં ઘોડાની ખરીદી કરી તેમને સંભાળનારાઓની પણ કોઈ કમી આપણા દેશમાં નથી. આશરે ૪૦૦ વર્ષ પહેલાં નાસિકના યેવલા શહેરના સંસ્થાપક રાજે રઘુજીબાબા શિંદેએ શહેર વિકસાવ્યા બાદ ઘોડાબજારની શરુઆત કરી. યેવલામાં મંગળવારની સાપ્તાહિક બજારના દિવસે ભરાતી ઘોડાબજાર આમ તો આખું વર્ષ ચાલું હોય છે, પરંતુ દશેરાના આગલા મંગળવારે તેની રોનક કંઈ ઓર જ હોય છે. સામાન્યપણે સાપ્તાહિક બજારમાં ૧૦૦ની આસપાસ ઘોડા દાખલ થતાં હોય છે, પરંતુ દશેરાના પૂર્વેના મંગળવારે દેશભરમાંથી ૭૦૦-૮૦૦ ઘોડા માર્કેટમાં લે-વેચ માટે દાખલ થતાં હોય છે.
આ મંગળવારની ઘોડાબજારમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ તેમજ રાજ્યના માથેરાન, નેરળ, મુંબઈ, સારંખેડા, લાતુર, પુણે, બારામતી વગેરે વિસ્તારો સહિત અન્ય ઠેકાણેથી પણ ઘોડાના વેપારીઓ તેમજ ખરીદદારો હાજર થયા હતાં. માર્કેટમાં પંજાબ, મારવાડ, કાઠિયાવાડ, સિંધી, દેવમણ, પંચકલ્યાણ, મુકરા જેવી પ્રજાતિ તથા ગુણોના ઘોડા આવ્યા હતાં. જેમની કિંમત ૧૫ હજારથી ૬ લાખ સુધીની બોલાઈ હતી.આ માર્કેટમાં લાખેક રુપિયાની આસપાસની કિંમતના આશરે ૧૫૦ ધોડા વેંચાયા. તેમાંય વિવિધ પ્રકારના નૃત્ય કરી ગ્રાહકોનું ધ્યાન આકર્ષનારા ઘોડાઓનું પણ વિશેષ માન જોવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500