Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી થઈ

  • October 22, 2021 

ગાંધીનગર મહાનગરપાલિકાની તાજેતરમાં થયેલ ચૂંટણી બાદ ભાજપે 41 બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી લીધી હતી. જયારે કોંગ્રેસ પાસે 2 અને આમ આદમી પાર્ટી પાસે 1 બેઠક રહી હતી. આ સ્થિતિમાં હવે ગાંધીનગરમાં નવા મેયર કોણ તેની ચર્ચા છેલ્લા પંદર દિવસથી ચાલી રહી હતી. ત્યારે આજે મેયર સહિતના પદાધિકારીઓ માટે ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. મ્યુનિ.કમિશનર ધવલ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એજન્ડા પ્રમાણે સૌપ્રથમ મેયરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ પક્ષ પ્રમુખ રૃચિર ભટ્ટ દ્વારા મેયરના ઉમેદવાર તરીકે વોર્ડ નં.8ના કોર્પોરેટર હીતેશભાઈ મકવાણાનું નામ જાહેર કરાયું હતું અને તેમણે ઉમેદવારી નોંધાવી હતી. તો બીજી બાજુ સંખ્યાબળ ઓછુ હોવા છતાં વોર્ડ નં.6ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષારભાઈ પરીખે પણ ઉમેદવારો નોંધાવી હતી.

 

 

 

 

 

જેમાં કોંગ્રેસના બે કોર્પોરેટરોએ સમર્થન આપ્યું હતું. મેયરની ચૂંટણીમાં ભાજપના હિતેશભાઈ મકવાણાને 41 મત જયારે આપના તુષાર પરીખને ત્રણ મત મળ્યા હતા અને ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાની જાહેરાત થઈ હતી. ત્યારબાદ ડેપ્યુટી મેયર માટે ભાજપે પ્રેમલસિંહ ગોલનું ફોર્મ ભરાવ્યું હતું તો સામે કોઈ ઉમેદવાર નહીં હોવાથી ડેપ્યુટી મેયર તરીકે તેમની બિનહરીફ વરણી થઈ હતી. તો આ બેઠકમાં ભાજપ દ્વારા સ્થાયી સમિતિના બાર સભ્યોની પણ નિમણૂંક કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ મળેલી બેઠકમાં ચેરમેન તરીકે વોર્ડ નં.11ના જશવંતભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.

 

 

 

 

 

ગાંધીનગર મહાનગરપાલિકામાં છેલ્લા આઠ મહિનાથી વહીવટદારનું શાસન બાદ હવે નવા પદાધિકારીઓ આવી ગયા છે જેમના માથે હવે બંધ પડેલા કામો પુરા કરવાની પણ જવાબદારી છે. આ સમયગાળા દરમિયાન નીતિ વિષયક નિર્ણયો પણ લઈ શકાયા નહતા. જેથી આગામી દિવસોમાં સ્થાયી અને સામાન્ય સભામાં આ તમામ દરખાસ્તો ઉપર પણ ચર્ચાઓ કરવામાં આવશે. ગાંધીનગર કોર્પોરેશનના ઈતિહાસમાં શહેરને પાંચમાં અને ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા ત્રીજા મેયર મળ્યા છે હવે આ તમામ પદાધિકારીઓએ અઢી વર્ષ સુધી ગાંધીનગરના લોકોના પ્રશ્નો ઉપર ધ્યાન આપવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application