સુપ્રીમ કોર્ટે મહિલાઓના અધિકાર અંગે એક ખૂબ જ ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, દરેક મહિલા, પછી તે પરિણીત હોય કે અપરિણીત, તે સુરક્ષિત અને કાયદેસર રીતે ગર્ભપાત કરાવવાનો અધિકાર ધરાવે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ભારતમાં અવિવાહિત મહિલાઓ પણ MTP એક્ટ અંતર્ગત ગર્ભપાતનો અધિકાર ધરાવે છે. કોર્ટે દેશની દરેક મહિલા પસંદગીનો અધિકાર ધરાવે છે.
આમ, અવિવાહિત મહિલા પણ MTP એક્ટ અંતર્ગત ગર્ભપાતનો અધિકાર ધરાવે છે. ભારતમાં ગર્ભપાતનાં કાયદા અંતર્ગત વિવાહિત અને અવિવાહિત મહિલાઓમાં ભેદભાવ નથી કરવામાં આવેલો. કોર્ટે જણાવ્યું કે, ગર્ભપાત માટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત પતિ દ્વારા કરવામાં આવતા યૌન હુમલાઓને મેરિટલ રેપના અર્થમાં સામેલ કરવા જોઈએ. MTP કાયદામાં વિવાહિત અને અવિવાહિત મહિલા વચ્ચેનું અંતર એવી રૂઢિવાદી માન્યતાને પ્રોત્સાહન આપે છે કે, માત્ર વિવાહિત મહિલાઓ જ યૌન ગતિવિધિઓમાં સામેલ હોઈ શકે.
કોર્ટના કહેવા પ્રમાણે કોઈ મહિલાની વૈવાહિક સ્થિતિ તેને અનિચ્છનીય ગર્ભ પાડી દેવાના અધિકારથી વંચિત કરવાનો આધાર ન બની શકે. આમ, એકલી અને અપરિણીત મહિલા પણ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ અતંર્ગત ગર્ભાવસ્થાના 24 સપ્તાહ સુધીમાં નિયમ પ્રમાણે ગર્ભપાતનો અધિકાર ધરાવે છે. આ અધિકાર એવી મહિલાઓના હિતમાં છે જે પોતાના અવાંછિત ગર્ભધારણને જાળવી રાખવા માટે મજબૂર હતી.
કોર્ટે જણાવ્યું કે, અવિવાહિત અને એકલી રહેતી મહિલાઓને ગર્ભપાત કરાવતા અટકાવવી પરંતુ પરિણીત મહિલાઓને આ માટે મંજૂરી આપવી તે મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેંચે આ નિર્ણય સંભળાવ્યો છે. પીઠે એક 25 વર્ષીય અપરિણીત મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી કરી હતી.
અરજીમાં મહિલાએ 24 સપ્તાહની ગર્ભાવસ્થા સમાપ્ત કરાવવા માટે માંગણી કરી હતી. આપસી સહમતિના સંબંધોના પરિણામસ્વરૂપ તે ગર્ભાવસ્થાની સમાપ્તિ માટે દિલ્હી હાઈકોર્ટે ઈનકાર કરી દીધો હતો. અરજીકર્તાએ પોતે 5 ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે અને તેના માતા-પિતા ખેતીકામ કરે છે. આમ આજીવિકાના સ્ત્રોતના અભાવના કારણે પોતે બાળકના ભરણ-પોષણ માટે અસમર્થ હોવાથી ગર્ભપાત કરાવવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500