Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આઝાદીની લડતમાં ‘વલસાડનાં સ્વાતંત્ર્ય સેનાની’નું અમૂલ્ય યોગદાન ભારત છોડો આંદોલનમાં વલસાડના શાંતિલાલ રાણાની ધરપકડ થતા ૩ મહિના સાબરમતી જેલમાં રહ્યા હતા

  • August 12, 2023 

૧૯૩૦માં ધરાસણા મીઠા સત્યાગ્રહ સમયે ઘાયલ થયેલા લોકોની પણ શાંતિલાલભાઈ એ સેવા કરી હતી ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે શરૂ થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં તા.૮મી ઓગસ્ટ ૧૯૪૨નો દિવસ ઐતિહાસિક હતો. ગાંધીજી દ્વારા ભારત છોડો આંદોલનનું આહ્‌વાન કરાતા દેશભરમાં ચળવળ શરૂ થઈ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ છોડીને આંદોલનમાં જુસ્સાભેર જોડાયા હતા. જે પૈકી વલસાડ શહેરના ગોલવાડમાં રહેતા ૨૧ વર્ષીય શાંતિલાલ જીવણજી રાણા પણ ભારત છોડો આંદોલનમાં જોડાઈને અંગ્રેજો ભારત છોડોના નારા લગાવ્યા હતા. જેને પગલે અંગ્રેજોએ તેમની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. દેશ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાનની નોંધ કેન્દ્ર સરકારના G20 પોર્ટલ ઉપર પણ લેવાઈ છે. તા. ૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસની વલસાડના આંગણે રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે ત્યારે આ અમૂલ્ય ક્ષણને વધાવી લેવા માટે સ્વાતંત્ર્ય સેનાનીના પુત્રોએ પોતાના પિતાની અંગ્રજો સામેની લડત અને જેલવાસના સંસ્મરણો વાગોળી ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.



વલસાડ ખાતે ૭૭માં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે આઝાદીની લડતમાં વલસાડ જિલ્લાની ભૂમિકા મહત્વની રહી છે. નામી-અનામી અનેક વિરલાઓ આઝાદી જંગમાં જોડાયા હતા. જેમાં વલસાડના સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ રાણાનું યોગદાન બહુમૂલ્ય રહ્યું છે. અંગ્રેજો ભારત છોડો આંદોલન હકીકતમાં એક જન આંદોલન હતું, જેમાં લાખો લોકો નિર્ભિક બની આક્રમક મિજાજમાં જીયેંગે યા મરેંગેના જોમ સાથે જોડાયા હતા. અંગ્રેજોએ આ આંદોલન સામે અત્યંત કડક રવૈયો અપનાવી શાળા કોલેજમાં ભણતા બાળકોને પણ નહી છોડી જેલમાં પુરી દીધા હતા. આઝાદીની લડતમાં યોગદાન આપનાર અને જેલવાસ ભોગવનાર વલસાડ શહેરના ગોલવાડમાં રહેતા શાંતિલાલ રાણા વર્ષ ૧૯૩૦માં જ્યારે ધરાસણા મીઠા સત્યાગ્રહ થયો ત્યારે ઘાયલ થયેલા સ્વયંસેવકોની સારવાર માટે સેવા આપવા ગયા હતા. ત્યારબાદ ૧૯૪૨ની સાલમાં દેશમાં ભારત છોડો આંદોલન શરૂ થયુ ત્યારે શાંતિલાલ રાણાએ અભ્યાસ છોડી અદમ્ય દેશભક્તિની ભાવના સાથે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું.



આ ઐતિહાસિક ઘટનાની યાદો તાજી કરતા સ્વ. શાંતિલાલ રાણાના પુત્ર મધુકર રાણા અને કિરીટભાઈ રાણા જણાવે છે કે, તા. ૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અંગ્રેજોએ આવાબાઈ સ્કૂલમાંથી પિતાજીની સાથે ૧૫ બાળકોની ધરપકડ કરી હતી. તે સમયે તેમને ૩ માસની જેલ થઈ હતી. પરંતુ નાની ઉંમરના કારણે ૩ માસની જેલ ૩ વર્ષ સમાન કહેવાય હતી. નાની વય હોવાથી પિતાજીને સાબરમતી જેલના બાબા બેરેકમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીટેનશન બેરેકમાં મુકવામાં આવ્યા હતા. પિતાજીની જેમ અનેક લોકોએ નાની યુવાનીમાં કિંમતી વર્ષ આઝાદીની લડતમાં અર્પણ કર્યા હતા. ભારતની આઝાદીની ૪૦મી વર્ષ ગાંઠ પર પારડીથી સાબરમતી સુધી નીકળેલી પદયાત્રામાં શાંતિલાલભાઈ પણ જોડાયા હતા.



પિતાજી ગાંધીવાદી વિચાર ધરાવતા હોવાથી જેલમાંથી છૂટ્યા બાદ પણ જ્યાં સુધી આઝાદી ન મળી ત્યાં સુધી અંગ્રેજો સામે લડત આપતા રહ્યા હતા. દેશને આઝાદી મળ્યા બાદ તેઓએ પારિવારિક જીવન જીવવાનું શરૂ કર્યુ અને મુંબઈ રેલવેમાં સિનિયર ડ્રાફ્ટસમેન તરીકે નોકરી કરી હતી. તેઓ શિક્ષણનું મહત્વ સારી રીતે સમજતા હોવાથી પોતાના ૮ સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. જેને પગલે સંતાનોને સરકારી નોકરી મળી હતી. તા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૧ના રોજ તેમનું બિમારીના કારણે અવસાન થયું હતું. તેઓ જીવ્યા ત્યાં સુધી ગુજરાત સરકારે સ્વાતંત્ર્ય સેનાની તરીકે પેન્શન પણ ચૂકવ્યું હતું અને તેમના અવસાન બાદ તેમના ધર્મ પત્ની ડાહીબેનને પણ પેન્શન મળતુ રહ્યું હતું.



શાંતિલાલ રાણાના યોગદાનની ભારત સરકારના સાંસ્કૃતિ વિભાગે પણ નોંધ લીધી શાંતિલાલ રાણાના દોહિત્રિ અને પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા મેઘા પાંડેએ જણાવ્યું કે, G-20 અને આઝાદી ના અમૃત મહોત્સવ હેઠળ ભારત સરકારના સાંસ્કૃતિક સંશાધન અને તાલીમ કેન્દ્ર દ્વારા વિવિધ જિલ્લાના ગામો અને શહેરમાં વસતા લોકોએ દેશની આઝાદી માટેની લડતમાં પોતાનું યોગદાન આપ્યુ હોય અને તે યોગદાન માત્ર પરિવાર પુરતુ જ સીમિત ન રહે પરંતુ લોકોને પણ જાણ થાય અને અત્યારની પેઢી આઝાદીનું મહત્વ સમજે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શાંતિલાલભાઈના આઝાદીની લડતમાં યોગદાનના પૂરાવાઓને ધ્યાને લઈ સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભારત સરકારની વેબસાઈટ પર તેમનો ઉલ્લેખ કરાયો છે. જે બદલે અમે પરિવાજનો ગર્વની લાગણી અનુભવીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application