‘‘ દેશની રક્ષા કાજે જાન ન્યોછાવર કરના વીર સપૂતો અને ભારતની અખંડતા અને સ્વતંત્રતાને ઊની આંચ ન આવે તે માટે સીમા ઉપર દિવસ-રાત ખડે પગે છે એવા રાષ્ટ્રના જવાનોને વંદન છે.'' એમ સ્વાતંત્ર્ય દિનની શુભકામના પાઠવતા આદિજાતિ વિકાસ અને વન રાજ્યમંત્રી રમણલાલ પાટકરે વલસાડ આર.પી.એફ ગ્રાઉન્ડ ખાતે વલસાડના જિલ્લા કક્ષાના ૭૪મા સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રની આન, બાન, શાન સમા ત્રિરંગાને સલામી આપતા જણાવ્યું હતું.
વલસાડ ખાતે ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ત્રિરંગાને સલામી આપ્યા બાદ આદિજાતિ વિકાસ અને વન રાજ્યમંત્રી રમણલાલ પાટકરે તેમના પ્રજાજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, પૂ. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલના એકભારત શ્રેષ્ઠભારતના સ્વપ્નને સાકાર કરવા કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫-એની કલમ હટાવી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસંશનીય કાર્ય કર્યું છે. ૫૦૦ વર્ષથી ચાલ્યા આવતા રામજન્મભુમિના પ્રશ્નનો નિકાલ થતાં રામલલ્લાના ભવ્ય મંદિરના નિર્માણનો વડાપ્રધાનશ્રીએ શિલાન્યાસ કર્યો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારતના નારાને ગુંજતો કરી સૌને સ્વચ્છતાના કાર્યમાં જોડયા છે. હાલના કોરોના મહામારીમાં દુરંદેશી પૂર્વક લીધેલા પગલાને દુનિયાભરમાં બિરદાવ્યું છે. લોકડાઉનમાં પણ રાષ્ટ્રને પુનઃ વિકાસ માટે આર્થિક અને આત્મનિર્ભર પેકેજમાં ઉદ્યોગ, સેવા અને કૃષિ ક્ષેત્રમાં ગુજરાતે સમતોલ વિકાસની પરિભાષા દેશ અને દુનિયાને દેખાડી છે.
રાજય સરકારે કોરોના મહામારીમાં ૨૦ લાખ પરપ્રાંતિય શ્રમિકોને બસ અને ટ્રેન દ્વારા તેમના વતન પહોંચાડયા છે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે. શ્રમિકો, બીપીએલ/ એપીએલ કાર્ડધારકોને પાંચ માસનું મફત અનાજ આપવામાં આવ્યું છે. રાજય સરકારની સજાગતા થકી કોરોનામાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતનો રીકવરી રેટ ૭૭ ટકાએ પહોંચ્યો છે.
દેશની તમામ પંચાયતોને ૧૪માં નાણાંપંચની રકમ સીધી પંચાયતોને આપવામાં આવી છે. ગુજરાતના ગૌરવસમા સિંહોના સંવર્ધન માટે યોજના અમલમાં મૂકી છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ૫૨૦૦ કરોડની યોજના જાહેરમાં મૂકી છે. સુજલામ સુફલામ યોજના થકી રાજયમાં પાણીની સંગ્રહ શકિતમાં વધારો થયો છે. વન અધિકાર ધારા હેઠળ ૧,૩૯,૦૦૦ એકર જમીનના માલિકીના હકકો આપવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં ૨૯ હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. સાંસ્કૃતિક વનો થકી ઐતિહાસિક કાર્ય થયું છે. સામાજિક વનીકરણ માટે ૧૦ કરોડ વૃક્ષો વાવવાનું નકકી કરાયું છે.
કોરોના મહામારીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કરાયું
મંત્રીશ્રીએ દેશના વિકાસમાં સહભાગી બની શ્રેષ્ઠ ભારત બનાવવામાં સહયોગ આપવો એ આપણી ફરજ હોવાનું જણાવી રાષ્ટ્રના વિકાસનું સ્વપ્ન સાકાર કરવા આહ્વાન કર્યું હતું. આ અવસરે પોલિસ વિભાગ દ્વારા હર્ષ ધ્વનિ કરી સલામી આપી જિલ્લામાં કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા વ્યકિત વિશેષોનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ડૉ. કે. સી. પટેલ, જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્ય સર્વે અરવિંદભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, શ્રી ભરતભાઇ પટેલ, વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા, અધિક નિવાસી કલેકટર એન.એ.રાજપૂત, પ્રાંત અધિકારીઓ તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમના અંતે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને અનુસરીને કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500