Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપીની જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ડાયવર્ઝન રસ્તાઓ પર ટ્રાફિકની ભરમાર,તંત્ર કામે લાગ્યું

  • December 24, 2022 

વાપીમાં ઇસ્ટ-વેસ્ટને જોડતા હયાત રેલવે ઓવર બ્રિજને તોડી તેના સ્થાને 144 કરોડના ખર્ચે વધુ ઊંચાઈનો ફોરલેન બનાવવાની મંજૂરી મળ્યા બાદ 2 વર્ષે ROB ને બંધ કરી તેને તોડી પાડવાની અને નવા બ્રિજની નિર્માણ કામગીરીની શરૂઆત થઈ છે.



ત્યારે,પાલિકાના સત્તાધીશોએ PWD,વહીવટીતંત્ર,પોલીસતંત્ર સાથે રહી સુચારુ આયોજન કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, બ્રિજ ને બંધ કરી દીધા બાદ જુના રેલવે ફાટકે, બલિઠા ફાટકે, ગરનાળામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રાફિક ને નિયંત્રણમાં લેવા પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. વાપીની માધ્યમથી પસાર થતી રેલવે લાઈન પર ચાલી રહેલ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટમાં વાપીને ઇસ્ટ વેસ્ટ સાથે જોડતા રેલવે ઓવરબ્રિજની ઊંચાઈ બાધારૂપ બની છે, જેને ધ્યાને લઇ હયાત ROB ને તોડી નવા ROBના નિર્માણનું કાર્ય હાથ ધરવાનું છે. જે માટે વાપી નગરપાલિકાએ વહીવટી તંત્ર, પોલીસતંત્ર સાથે સંકલન સાધી જુના બ્રિજ ને બંધ કરી વૈકલ્પિક રૂટ તૈયાર કરી ડાયવર્ઝન આપ્યા છે.



21મી ડીસેમ્બર 2022થી જૂન 2024 સુધી ચાલનારા બ્રિજના કન્સ્ટ્રકશન વર્કને લઈ અપાયેલ ડાયવર્ઝનથી શહેરીજનોની હાલાકી વધી છે. ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો તૌબા પોકારી ઉઠ્યા છે. ત્યારે, આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, 144 કરોડના ખર્ચે નવા બ્રિજનું કામ હાથ ધરવા હાલ જુના ઓવરબ્રિજને બંધ કરવામાં આવ્યો છે. આગામી 20 મહિના સુધી શહેરીજનોએ તકલીફ વેઠવાની છે. પરંતુ આ તેમના ભવિષ્ય માટેનું આયોજન છે. એટલે જનતા પણ સહયોગ આપી રહી છે. ટ્રાફિકના સુચારું આયોજન માટે વધુ વૈકલ્પિક રસ્તાઓ ઉભા કરી શકાય તે માટે નગરજનો પણ પાલિકાનું ધ્યાન દોરે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.



પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકા આ બ્રિજ ના નિર્માણ સાથે 6 મહિનામાં જ રેલ્વે અન્ડરપાસ, પેડેસ્ટ્રીયન બ્રિજ પણ તૈયાર કરશે. જે અંગે રેલવે સાથે સંકલન સાધ્યું છે. પોલીસ, વહીવટી તંત્ર સાથે સંકલન સાધી ટ્રાફિક સહિતની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે પ્રકારનું આયોજન કરવા શહેરના ડાયવર્ઝન રૂટ સહિતના વિસ્તારની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી રહી છે. વાપીના ઇસ્ટ વેસ્ટમાં આવાગમન કરતા વાહનચાલકો, શહેરીજનો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, કામધંધે જતા કામદારો છેલ્લા 2 દિવસથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.



જુના ફાટકે અને બલિઠા ફાટકે ટ્રેનના આવાગમન દરમ્યાન ફાટક બંધ કરી દેતા લાંબો ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જેમાં આખરે શહેરીજનો અને પોલીસતંત્ર ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે, આ અંગે વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, વાપી ROB ને બંધ કર્યા બાદ રેલવે ગરનાળા સાથે જુના ફાટકને ફરી ખોલીને તેમજ રીંગરોડ, બલિઠા ફાટક તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જુના ફાટકના સ્થળે અને બલિઠા ફાટકે ટ્રેનના આવાગમનને લઇ વારંવાર ફાટક બંધ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જેના નિરાકરણ માટે વહેલી તકે અન્ડરપાસ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે.




મોટા વાહનોને હાલ મોતીવાડા અને ભીલાડ તરફ ડાયવર્ઝન આપ્યું છે. નાના વાહનો માટે વધુ વૈકલ્પિક રસ્તા શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો ચોમાસા દરમિયાન અંડરપાસમાં પાણી ના ભરાય તે માટેનું આયોજન કરાયું છે. જ્યારે આ નવો બ્રિજ ઇમરાનગરથી મુક્તાનંદ માર્ગ સુધી બનવાનો છે. જે હયાત બ્રિજ કરતા વધુ લાંબો છે. આ બ્રિજની નીચે વધુ એક અન્ડરપાસ બનાવવામાં આવશે.પૂર્વ વપીમાંથી પશ્ચિમ વાપીમાં ઝંડા ચોકમાં ખુલશે. 7 મીટર પહોળાઈના આ RUB નાના વાહનો અવરજવર કરી શકશે. જેની ઉપર 16 મીટરની પહોળાઈનો ફોર લેન ROB હશે. બ્રિજ બન્યા પછી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.



વાપીના ઇસ્ટ વેસ્ટના ટ્રાફિકનું સંચાલન કરવા હાલ પોલીસ તંત્ર ખડેપગે છે. જે અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નિર્માણમાં જૂનો ROB તોડી તેનાથી વધુ ઊંચાઈનો નવો ROB બનાવવાનું નક્કી થયા બાદ હાલ આ મુખ્ય ઓવરબ્રિજના ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકને કંટ્રોલ કરવા ગરનાળા પર, ફાટક પર, રીંગરોડ તરફ બલિઠા ફાટકે, મોરાઈ ફાટકે ટ્રાફિક જવાનો ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે. અંદાજિત 100 જેટલા પોલીસ જવાનો આ માટે ફરજ બજાવી રહ્યા છે.



વાહન ચાલકોનો સમય ના બગડે ટ્રાફિકની અડચણ આવે નહિ, ભારે વાહનો નડતરરૂપ ના બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. તો, જુના રેલવે ઓવરબ્રિજને બંધ કર્યા બાદ વાપી શહેરમાં સ્થિત બસ સ્ટેશનને હાઇવે પર હંગામી ધોરણે શિફ્ટ કરવામાં આવ્યું છે. જ્યાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ પણ પ્રકારનો ટ્રાફિક નડતરરૂપ ના બને તે માટે હાઇવે પર બસ સ્ટેશન આસપાસ અને સર્વિસ રોડ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.



ઉલ્લેખનીય છે કે, અંદાજિત 1400 મીટર ના જુના રેલવે ઓવરબ્રિજના સ્થાને 144 કરોડના ખર્ચે 1761 મીટર લંબાઈનો નવો ROB નિર્માણ કરવામાં આવશે. 16 મીટર પહોળાઇનો આ બ્રિજ ફોરલેન અને ફૂટપાથ ધરાવતો બ્રિજ હશે. અંદાજિત 9 મીટર ની ઊંચાઈ ના આ બ્રિજ માટે આસપાસની કેટલીક મિલકતો પણ એકવાયર કરવામાં આવી છે. જો કે બ્રિજના નિર્માણ કાર્યને લઈ કરેલા ડાયવર્ઝન ના આયોજનમાં પાલિકાએ વહીવટીતંત્ર સાથે યોગ્ય આયોજન કર્યું નથી. એટલે 2 વર્ષ સુધી વાપીની જનતાએ ટ્રાફિકના ભારણમાં પીસાવાનું છે. તેવો વસવસો નગરજનોમાં છે. જ્યારે પાલિકા અને વહીવટીતંત્ર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેવા પ્રયાસ માટે સમીક્ષા કરી વધુ વૈકલ્પિક રસ્તાઓ શોધી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News