Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 13 જળાશય હાઈ એલર્ટ પર

  • July 11, 2022 

રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રનાં ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. જોકે રવિવારે વરસાદે અમદાવાદને ધમરોળી નાખ્યું હતું. તદ્દઉપરાંત સુરત સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. આગામી 3 કલાકમાં હવામાન વિભાગે 30 થી 40 કિ.મી.નાં પવન સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં 13 જળાશય હાઈ એલર્ટ પર છે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. જયારે મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે એની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી. જોકે વડાપ્રધાને આ વરસાદી સ્થિતિને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યનાં વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.




રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની 207 જેટલી યોજનાઓમાં 40.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં 1,51,586 એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રશક્તિના 45.37 ટકા છે. પાણી પુરવઠા વિભાગનાં ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર, 11 જળાશય 100 ટકા કે તેથી વધુ, 18 જળાશય 70થી 100 ટકા, 25 જળાશય 50 ટકાથી 70 ટકા, 101 જળાશયમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. 100 ટકાના જળસંગ્રહ ધરાવતાં બે જળાશય મળી કુલ 13 જળાશય હાઈ એલર્ટ પર, 80થી 90 ટકા જળસંગ્રહ સાથે 8 જળાશય એલર્ટ પર તથા 70 થી 80 ટકા ભરાયેલાં 7 જળાશય માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.




તારીખ 11મી નાંરોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા અને દમણ, દાદરા અને નગર-હવેલી, કચ્છ, ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.




જયારે તારીખ 12મી નાંરોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલી, સુરત અને તાપીનાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.




જોકે તારીખ 13મી નાંરોજ દક્ષિણ ગુજરાતમાં, જેમ કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીનાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. એ ઉપરાંત ભરૂચ, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ અને નર્મદા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, પોરબંદર અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.




જયારે તારીખ 14મી નાંરોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ-તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, બોટાદ, રાજકોટ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.




મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને નર્મદા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં, એટલે કે દેવભૂમિ દ્વારકા,જામનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી છે. તારીખ 15મી નાંરોજ દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application