રાજ્યમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે (27મી જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તારીખ 28મી જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 29મી જુલાઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 20 ઈંચ સાથે સિઝનનો 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
જેમાં કચ્છમાં સૌથી વઘુ 76 ટકા, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછા 29.55 ટકા વરસાદ નોંધાયો છે. સુરતમાં ખાડીપૂર બાદ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારીની નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. ડાંગમાં વરસાદની તોફાની બેટિંગને પગલે નવસારીની પૂર્ણા નદીમાં પૂર આવ્યું છે અને 150થી વઘુ ઘરોમાં ત્રણથી આઠ ફુટ સુધીના પાણી ભરાઇ ગયા છે. 35 હજારથી વઘુ લોકોને પૂરની અસર થઇ છે. 2200થી વઘુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. ડાંગના સુબીરમાં 7.6 ઈંચ વરસાદ ખાબકયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500