Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી : 27 ડેમ હાઈ એલર્ટ પર અને ચેતવણી સહિતનાં સિગ્નલો આપવામાં આવ્યા

  • July 13, 2022 



ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં 34 ઇંચ વરસાદ પડવાની સરેરાશ છે, જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ 14.52 ઈંચ, એટલે કે 42.72 ટકા વરસાદ વરસ્યો છે. મહત્ત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાંથી 7.67 ઈંચ, એટલે કે 47 ટકા જેટલો વરસાદ માત્ર 5 જ દિવસમાં વરસી ગયો છે. આ વખતે વરસાદ નવો વિક્રમ સર્જે એવા સંકેતો દેખાઈ રહ્યા છે.




રાજ્યમાં શુક્રવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એ ઉપરાંત રાજ્યના 27 ડેમ હાઈ એલર્ટ પર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.




જોકે ઓડિશામાં આગામી 5 દિવસમાં એક પછી એક બે નવા લૉ-પ્રેશર સક્રિય થતાં અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં બેમાંથી એક લૉ-પ્રેશર સક્રિય થયું છે અને આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે.





જયારે તા.15 જુલાઇ બાદ અમદાવાદમાં વરસાદનું જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. અમદાવાદ-ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, લૉ પ્રેશર તા.14 જુલાઈ સુધી ગુજરાત સુધી પહોચશે તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત નજીકથી પસાર થશે, જેથી તા.14 જુલાઇએ અમદાવાદમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદનું જોર ઓછું થશે.




જોકે આજરોજ સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યનાં 124 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 તાલુકામાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 101.90 mm વરસાદ પડ્યો છે.




આ સાથે જ અહીં સીઝનનો કુલ 97.54 ટકા વરસાદ પડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 20.24 mm વરસાદ પડ્યો છે. અહીં સીઝનનો કુલ 26.25 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16.55 mm વરસાદ પડ્યો છે. અહીં સીઝનનો કુલ 37.92 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સરેરાશ 24.94 mm વરસાદ પડ્યો છે, અહીં સીઝનનો કુલ 47.23 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 73.48 ટકા વરસાદ પડ્યો છે.




છેલ્લાં સાત વર્ષમાં સૌથી વધુ વરસાદ વર્ષ-2019માં 47.70 ટકા, એટલે કે સરેરાશ વરસાદના 146.17 ટકા વરસ્યો હતો. જોકે આ રેકોર્ડ બ્રેક કરવામાં હજુ ઘણી દૂરી છે, પરંતુ આ વર્ષની વરસાદની રફ્તાર છેલ્લાં 8 વર્ષની સરખામણીએ ઘણી તેજ છે. રાજ્યમાં છેલ્લા પાંચ-છ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.




મંગળવાર સવાર સુધીના છેલ્લા 5 દિવસમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતાં રાજ્યના સરેરાશ વરસાદનો આંકડો ઝડપથી ઉપર ગયો છે. પાંચ દિવસ પહેલાં, એટલે કે ગત તા.7મી જુલાઈ સુધીમાં રાજ્યમાં 6.85 ઈંચ એટલે કે કુલ વરસાદનાં 20.16 ટકા વરસાદ થયો હતો.





સાર્વત્રિક વરસાદ વચ્ચે ગુજરાતમાં 27 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણી સહિતના સિગ્નલો આપવામાં આવ્યા છે, 27 ડેમ પૈકી 18 ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થતાં હાઈ એલર્ટ સિગ્નલ અપાયા છે, જ્યારે 8 ડેમમાં 80 થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને 11 ડેમમાં 70 થી 80 ટકા વચ્ચે જળ સંગ્રહ થતાં વોર્નિંગ સિગ્નલ આપવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યનાં 169 ડેમમાં 70 ટકા કે તેથી ઓછું પાણી છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીની કોઈ ખાસ આવક થઈ નથી.





ગુજરાતમાં વરસાદને પગલે 207 ડેમમાં 46.02 ટકા પાણીનો સંગ્રહ થયો છે. હજુ ઉત્તર ગુજરાતના ડેમોમાં જોઈએ તેવી પાણીની ખાસ આવક થઈ નથી, જેને લઈ ત્યાંના 15 ડેમમાં 14 ટકા જેટલો પાણીનો સંગ્રહ છે. કચ્છમાં 15 દિવસ પહેલાં ડેમોનાં તળિયાં દેખાયાં હતાં, જોકે ધોધમાર વરસાદ વચ્ચે કચ્છના 20 ડેમમાં 53 ટકા જેટલો સંગ્રહ થયો છે, 20 પૈકી 9 ડેમ સંપૂર્ણ છલકાઈ ગયા છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના 3, સૌરાષ્ટ્રના 2 એમ કુલ 14 ડેમ છલોછલ થયા છે. સરદાર સરોવર ડેમમાં 47.71 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 38.73 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 56.54 ટકા અને મધ્ય ગુજરાતના 17 ડેમમાં 33.68 ટકા પાણીનો સંગ્રહ થયો છે. (ફાઈલ ફોટો)






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application