દેશમાં તાપમાનનો મિજાજ બદલ્યો છે. બિહારમાં અચાનક વરસાદ પડયો હતો અને
આંધી ઉઠી હતી. બિહારના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ અને આંધીમાં 29 લોકોનાં મોત થયા
હતા. અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારમાં તેમ જ
દિલ્હીમાં ગાજ-વીજ સાથે વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાં રાહત મળી છે. બિહારના પટણા,
ભાગલપુર, મુઝફ્ફરપુર, વૈશાલી,
મુંગેર, જમુઈ, કટિહાર,
કિશનગંજ, જહાનાબાદ, સારણ,
નાલંદા જેવા જિલ્લાઓમાં વરસાદ પડયો હતો અને આંધી ઉઠી હતી.
આ વરસાદી તોફાનમાં આ જિલ્લાઓમાં ૨૯ લોકોનાં મોત થયા હતા. આંધીમાં
અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. કેટલાય મકાનોને નુકસાન થયું હતું. રેલવે ટ્રેક
અને અને વાહનોના માર્ગ પર વીજળીના તાર તેમ જ વૃક્ષો તૂટી જતાં ઘણાં રસ્તા બંધ થઈ
ગયા હતા. ઘણી ટ્રેનને અટકાવવાની ફરજ પડી હતી. ઉત્તરપ્રદેશમાં પણ વરસાદને લગતી
ઘટનાઓમાં જાનહાની થયાના અહેવાલો છે.
દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદની આગાહી છે,
તેના કારણે દેશભરમાં તાપમાન નીચું આવશે. ઉત્તર પ્રદેશના કેટલાક
વિસ્તારો ઉપરાંત દિલ્હીમાં ઝરમર વરસાદ પડયો હતો, તેના કારણે
તાપમાનનો પારો નીચો આવ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. દિલ્હીમાં અમુક
વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી હતું, તો અમુક
વિસ્તારોમાં તાપમાનનો પારો ૨૮ ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. પાટનગરમાં વીક
એન્ડમાં ધૂળની આંધી ઉઠે એવી પણ શક્યતા વ્યક્ત થઈ છે.
જોકે,
રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ,
ઉત્તર પ્રદેશના દક્ષિણના વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર
રહ્યો હતો, તેના કારણે આસમાનમાંથી લૂ ઝરી હતી અને જનજીવન
પરેશાન રહ્યું હતું. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આસામ, મેઘાલય,
સિક્કિમ, પશ્વિમ બંગાળ, હિમાચલ,
અરૂણાચલથી લઈને રાજસ્થાન સુધી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
દક્ષિણના રાજ્યોમાં વરસાદની આગાહી છે. કેરળમાં આવતા સપ્તાહના શરૂઆતે જ દક્ષિણ-પશ્વિમી
ચોમાસાનું આગમન થઈ જશે. ચોમાસાના આગમનની સાથે જ દેશભરમાં ગરમીથી રાહત પણ મળશે.
આંદામાન નિકોબાર નજીક તોફાન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી દેશભરના વાતાવરણમાં
પલટો આવી શકે છે.
દરમિયાન
અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી મૃત્યુ આંક આઠ થઈ ગયો છે. અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં
ભૂસ્ખલન થયું હતું. જેમાં એક પંજાબી રેસ્ટોરન્ટ તૂટી પડી હતી. તેના કાળમાળમાંથી
મૃતદેહો મળ્યા હતા. હવામાન
વિભાગના કહેવા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસર હેઠળ જમ્મુ-કાશ્મીર,
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ અને
તોફાનની શક્યતા છે. તેના કારણે ઉત્તર ભારતના વાતાવરણમાં પણ ભેજ અને ઠંડકનો અનુભવ
થશે. આગામી બે દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ રાજ્યો ઉપરાંત ઉત્તર પ્રદેશ,
રાજસ્થાન, પંજાબ, દિલ્હીમાં
તેજ હવા ફૂંકાશે.
જયારે
તા.૨૨મી મે સુધી હવામાન વિભાગે આ વિસ્તારોને યલ્લો વોચની કેટેગરીમાં મૂક્યા છે.
તેનું વિશેષ નિરીક્ષણ થશે. ભૂમધ્યસાગરમાં લો-પ્રેશર સર્જાવાના કારણે ભારતમાં
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. આવતા સપ્તાહની શરૂઆતમાં કેરળમાંથી
દક્ષિણ-પશ્વિમનું ચોમાસું બેસશે અને એ સમયે ઉત્તર ભારતનું વાતાવરણ પણ બદલાશે એટલે
દેશભરમાં તાપમાનનો પારો ગગડશે અને ગરમીમાં રાહત મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500