નવેમ્બરનાં શિયાળાનાં દિવસોમાં ઠંડા માહોલને બદલે સાંજે અચાનક દક્ષિણ કોંકણનાં કણકવલી, માલવણ, કડાળ, સાવંતવાડી, વૈભવવાડીનાં વિશાળ પટ્ટામાં અને મધ્ય મહારાષ્ટ્રનાં કોલ્હાપુર અને સાતારા જિલ્લામાં ગાજવીજ સાથે મુશળધાર વર્ષાનો તોફાની માહોલ સર્જાયો હતો. જોકે મેઘગર્જનાં સાથે મુશળધાર વરસાદને કારણે દક્ષિણ કોંકણનાં આ તમામ સ્થળોએ કેરી અને કાજુ સહિત ખેતીનાં અન્ય પાકને ભારે નુકસાન થવાનું જોખમ સર્જાયું હોવાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ હોવાના સમાચાર મળે છે. બીજીબાજુ હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે, મુંબઇનું (સાંતાક્રૂઝ)મહત્તમ તાપમાન 33.7 આખા મહારાષ્ટ્રમાં સૌથી વધુ નોંધાયું હતું.
હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાનીએ માહિતી આપી હતી કે, હાલ મહારાષ્ટ્ર પર ઇસ્ટર્લી વેવની તીવ્ર અસર છે એટલે કે પૂર્વ દિશાનાં પવનો ફૂંકાઇ રહ્યા છે. વળી, પૂર્વનાં પવનો બંગાળનાં ઉપસાગર પરથી ભરપૂર ભેજ સાથે પસાર થઇ રહ્યા છે. સાથોસાથ અરબી સમુદ્રનાં અગ્નિ હિસ્સામાં પણ વાદળોનો વિશાળ જમઘટ જામ્યો છે. આમ પૂર્વના સૂકા અને ભેજવાળા પવનોની જબરી ટક્કરને કારણે ગાજવીજનું તોફાની વાતાવરણ સર્જાયું છે. આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસર આખા દક્ષિણ કોંકણ પર થઇ છે. વળી, આ જ અસરથી આજે સવારથી ગોવાના આકાશમાં પણ કાળાંડિબાંગ વાદળાં ઘુમરાઇ રહ્યાં છે. નવેમ્બરના ઠંડા દિવસોમાં પણ ક્યારેક આવી ઇસ્ટર્લી વેવની સિસ્ટમ સર્જાતી હોય છે.
આમ ઇસ્ટર્લી વેવની જબરી અસરથી દક્ષિણ કોંકણનાં મોટા-ભાગનાં પરિસરમાં અને મધ્ય મહારાષ્ટ્રના કોલ્હાપુર તથા સાતારા જિલ્લામાં મેઘર્જનાં અને વીજળીનાં પ્રચંડ કડાકા સાથે મુશળધાર વરસાદનો તોફાની માહોલ સર્જાયો હતો. હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી હતી કે, સાંજે ચારથી લગભગ એક કલાક કરતાં પણ વધુ સમય સુધી દક્ષિણ કોંકણનાં કણકવલી, માલવણ, કુડાળ, સાવંતવાડી, વૈભવવાડી વગેરે વિસ્તારમાં કમોસમી કહેવાય તેવું વરસાદી વાતાવરણ સર્જાયું હતું. બીજીબાજુ મુંબઇ અને આજુબાજુનાં થાણે, પાલઘર વગેરે સ્થળોએ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ રાહત રહે કે ફેરફાર થાય તેવાં કોઇ પરિબળો નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500