ડાંગ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં શનિવાર બાદ રવિવારે બપોર સુધી અસહ્ય ગરમીની સાથે બફારો થતા જનજીવન ત્રસ્ત બન્યુ હતુ. જ્યારે શનિવારે રાત્રીનાં અરસામાં અને રવિવારે સાંજનાં અરસામાં ડાંગ જિલ્લાનાં આહવા, બોરખલ, ગલકુંડ, ચીંચલી, સુબિર, બરડીપાડા, ભેંસકાતરી, મહાલ, ઝાવડા, વઘઇ, સાકરપાતળ, સિંગાણા, સાપુતારા, શામગહાન સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. જોકે રવિવારે મોડી સાંજે સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં વરસાદી માહોલ જામતા આંતરીક અને જાહેરમાર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અમુક ખેડૂતોનાં ડાંગરનો પાક કાપણીની તૈયારીઓમાં છે. જ્યારે અમુક ખેડૂતોનું ડાંગર કાપણી કર્યા બાદ ખેતરોમા સુકાવા માટે મુકેલું હતુ. જે વરસાદી માહોલમાં પલળી જતા જંગી નુકસાન થયુ હતુ. ચાલુ વર્ષે ડાંગ જિલ્લામાં પાછોતરો વરસાદ ખેડૂતોની સ્થિતિ દયનીય બનાવે તેવા સંકેતો આપતા ખેડૂતો વિમાસણમાં મુકાયા છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ સમયાંતરે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારમાં ધુમ્મસીયા વાતાવરણનાં પગલે વાહન ચાલકોએ વાહનોની સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી હંકારવાની નોબત ઉઠી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બનતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500