વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. વલસાડ જિલ્લામાં ચાર લોકો સાથેની એક કાર પાણીમાં તણાઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા. ચારમાંથી એકનો બચાવ થયો છે, જ્યારે ત્રણ લોકો લાપતા બન્યા છે. મળતી માહિતી વલસાડના ધરમપુરના બોલી ગામ ખાતે કોતરમાં કાર તણાઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા. ત્રણ લોકો પાણીમાં લાપતા બનતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કારમાં જિગ્નેશભાઈ શંકરભાઈ પટેલ, ધર્મેશ ગોવિંદ પટેલ, મોહન પટેલ, જયંતિભાઈ રાજપુરી સવાર હતા. જેમાંથી જીગ્નેશભાઈ શંકરભાઈ પટેલની ભાળ મળી છે.સોમવારે બપોરે વલસાડની સ્થિતિ ગંભીર બની ગઈ છે. કારણ કે વલસાડ જિલ્લાની ઔરંગા નદીએ કિનારો વટાવ્યો છે. નદીના પાણી આસપાસના ગામમાં પણ ફરી વળ્યા છે. બીજી તરફ પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે.
ધરમપુર તાલુકાના નાની વહિયાલ ગામ નજીકથી પસાર થતી પાર નદીનું પાણી નદી કિનારે આવેલા નીચલી નવી નગરીમાં પ્રવેશતા બેટ જેવી પરિસ્થિતિ સર્જાતા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યું છે. આ મામલે મામલતદાર અને ટીડીઓ ધરમપુરને જાણ કરતા અધિકારીઓ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ સાથે આવી પહોંચી હતી અને 50થી વધુ લોકોને સલામત બહાર કાઢ્યા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી ગાંડીતુર બની છે. નદીનો પ્રવાહ વધતા છીપવાડ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. મુખ્ય બજારમાં નદીના પાણીન પ્રવાહ વહી રહ્યો છે. નદીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બીજી તરફ સોસાયટીમાં રહેતા લોકો ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા છે. કશ્મીરનગર, બરૂડિયા વાડ, લીલાપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી તરફ મુખ્ય બજારમાં પાણી ફરી વળતા વેપારીઓને કરોડનું નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે અમુક વિસ્તારોમાં 10 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે.
વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે શહેરને જોડતો મુખ્ય 81 માર્ગો અને જિલ્લા સ્ટેટ હદને જોડતા 10 માર્ગોને બંધ કરાયા છે. જિલ્લા કલેક્ટર તરફથી ટ્વીટ કરીને અંગેની જાણકારી આપવામાં આવી છે. બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા NDRF ટીમ દ્વારા રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500