Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ભારે વરસાદ : કુકરમુંડા તાલુકામાં લોકોના ઘરો સુધી પહોંચ્યા પાણી, તો ક્યાંક તૂટ્યા રોડ

  • June 29, 2023 

તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની મેઘ મહેર યથાવત છે.તાપી જિલ્લાના કુકરમુંડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને કુકરમુંડાના કેવડામોઈ,મોરંબા, પાણીબારા, ગોરાસા ગામમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં પાણી ભરાતા અહીના રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.


પહેલા વરસાદમાં જ રસ્તાઓ પણ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. વ્યારાના મગદુમ નગર વિસ્તારમાં બ્યુટી ફીકેશનની પ્રોટેક્શન વોલ તૂટી પડી હતી.તકલાદી કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાય જવાથી રસ્તાઓ બેસી જવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં આજે સાતેય તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વ્યારા,વાલોડ,ડોલવણ અને કુકરમુંડા તાલુકામાં વરસાદ પડ્યો છે.


તાપી જિલ્લામાં આજે તા.૨૯મી જુન સવારના ૬:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં વ્યારા તાલુકામાં ૧૩૮ મીમી,વાલોડ તાલુકામાં ૧૨૭ મીમી,ડોલવણ તાલુકામાં ૧૨૦ મીમી,કુકરમુંડા તાલુકામાં ૧૧૩ મીમી,ઉચ્છલ તાલુકામાં ૨૫ મીમી તેમજ સોનગઢ તાલુકામાં ૭૦ મીમી જેટલો વરસાદ ૧૨ કલાક દરમિયાન પડી ચુક્યો છે.કુકરમુંડાના મોરંબા, પાણીબારા, ગોરાસા ગામમાં પાણી ભરાયા હતા. તેમજ વ્યારાના કણજા અન્ડર બાયપાસ ગરનાળામાં પાણી ભરાયા હતા,પાનવાડીમાં ખોડીયાર માતાજીના મંદિર સામે પાણી ભરાયા હતા, સોનગઢના હિંદલા થઇ સુબીર તરફ જતો માર્ગ બ્લોક થયો હતો જેના કારણે વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


વ્યારા તાલુકાના ચિખલદા તેમજ કેલકુઈ ગામના નદી ફળીયામાં આવેલ ગરનાળું વરસાદી પાણીમાં ગરકાવ થઇ જતા લોકોની અવર જવર બંધ થઇ ગઈ હતી, કેલકુઈના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે,પાણી ભરાયા ના બે દિવસ બાદ પણ સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો ન હતો.મહત્વનું છે કે આજે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તાઓ બંદ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી,જોકે તાપી જિલ્લામાં ક્યાં અને કેટલું નુકશાન પહોંચ્યું છે તે અંગેની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application