તમિલનાડુની રાજધાનીમાં પડેલ ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાથી જનજીવન ખોરવાઈ ગયું હતું. સતત વરસાદને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગે હજુ પણ ચેન્નઈ, વેલ્લોર, પુડુકોટ્ટાઈ સહિત 25 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તામિલનાડુની રાજધાની ચેન્નઈમાં મુશળધાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ભારે વરસાદની અસર વાહન વ્યવહાર પર પણ જોવા મળી હતી. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી આપવામાં આવેલી વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંદામાન સમુદ્ર પર બનેલી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે અને તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે ત્યારે દરિયાકાંઠાના અને આસપાસના જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.
આ ઉપરાંત હવામાન વિભાગે ચેન્નઈ સહિત તમિલનાડુના 25 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી તારીખ 5મી ડિસેમ્બર સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ચેન્નઈમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટરની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ 1913 હેલ્પલાઇન પર લોકોના કોલનો પણ જવાબ આપ્યો અને અધિકારીઓને કોઈપણ વિલંબ કર્યા વિના ફરિયાદોના નિવારણ માટે વિભાગો વચ્ચે સંકલન સુધારવા નિર્દેશ આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500