Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ : આભથી વરસ્યો આફતનો અનરાધાર વરસાદ

  • July 18, 2021 

ગુજરાતમાં આ વખતે હવામાન ખાતાની આગાહી કરતા એક સપ્તાહ વહેલું ચોમાસું બેસી ગયું હતું તેમજ તૌકતે વાવાઝોડાના કારણે પ્રિ-મોન્સુનમાં પણ દરિયાકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ ગાજ્યા મેઘ વરસે નહીં તેવો ઘાટ સર્જાતા  વરસાદની ઘટ ના કારણે ચોમાસા ખેતી પાકને નુકશાની થવાની પણ ભીતિ વર્તાઈ રહી હતી ત્યારે આતુરતાથી વરુણ દેવની રાહ જોતા લોકો અને ખેડૂતોનો આર્તનાદ સાંભળી વરુણ દેવ મળસ્કેથી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત તેમજ તાપી જિલ્લામાં રી-એન્ટ્રી મારી હતી વીજળીના બિહામણા તેજ લિસોટા અને વાદળોના ગડગડાટ સાથે સાર્વત્રિક વરસ્યો હતો.  વલસાડના ઉમરગામમાં સાડા દસ,વાપી સાડા નવ,વલસાડ પાંચ ઈંચ થી વધુ,જલાલપોર સાડા આઠ,નવસારી આઠ,ગણદેવી સાડા નવ ઈંચ સુધીનો સાર્વત્રિક સુપડા ધારે વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

 

 

 

લોકોનુ જનજીવન અસ્તવ્યસ્ત, ઠેર ઠેર પાણી ભરાયા, વલસાડમાં ઝાડ પડવાને કારણે ત્રણ રસ્તાઓ બંધ

આ અંગે મળતી વિગતો મુજબ સવારથી જ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં રોદ્રસ્વરૂપ ધારણ કરી ગાજવીજ સાથે તુટી પડ્યા હતા. સુરત-નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘરાજા ટ્વેન્ટી-ટ્વેન્ટી રમવાના મૂડમાં હોય તેમ ધુઆધાર બેટિંગ કરી  સવારના છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં ચાર ઈંચથી લઈને સાડા દસ ઈંચ સુધીનો વરસાદ ઝીકી દેતા સમગ્ર વિસ્તારો પાણીથી જળબંબોળ બની ઉઠ્યા હતા ગાજવીજ અને તેજ પવન સાથે પડી રહેલા ધોધમાર વરસાદને કારણે અનેક ઠેકાણે ઝાડ પડવાના બનાવો બન્યા હતા જેમાં વલસાડમાં ધરમપુર રોડ ઉપર આમલીના મહાકાય વૃક્ષ સહિત ત્રણ જેટલા વૃક્ષો પડી જતાં  રસ્તાઓ બંધ થતા તંત્ર દોડતુ થયું હતું.

 

 

 

 

 

 વાહન વ્યવહાર નેં પણ અસર પહોંચી હતી.

આ ઉપરાંત વલસાડ શાકભાજી માર્કેટમાં પાણીનો ભરાવો, છીપવાડ દાણા બજાર, નાની ખત્રીવાડ, મોગર વાડી ગરનાળામાં પાણી ભરાયા આ ઉપરાંત રાઈ સાગર ફળિયા, જૂની જીઈબી વિસ્તારમાં ૨૦થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા જેથી લોકો ડરના માર્યા સલામત સ્થળે ખસી ગયા હતા. સરીગામ બાયપાસ પાસે ખાડીના પાણી રસ્તા ઉપર ફરી વળતા અનેક વાહનચાલકો ફસાયા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર અને ચારેક મોટરસાયકલ પણ ફસાયા હતા મોટાભાગના લોકો સલામત રીતે બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો પરંતુ એક મોટરસાયકલ ચાલક લાપતા હોવાનું ગણવામાં આવી રહ્યું છે વલસાડ સરીગામ પાસે ૧૪ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આજે વહેલી સવારે અનરાધાર વરસાદ વરસતા જમીન ત્યાં જળની સ્થિતી જોવા મળી હતી લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું ઘરોમાં ઘૂસેલા પાણી ઉલેચવા લોકો મજબૂર બન્યા હતા. ઉડી ખંઢેર,ઉદવાડા પરિયા રોડ,વોડૅ નંબર ચારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા ભીલાડ અંડરપાસમાં પાણી ભરાઇ જતા અંડરપાસ ને  બંધ કરી દેવામાં આવ્યો હતો જેથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો.

 

 

 

 

 

 માર્ગો પર પાણી ફરી વળ્યા હતા 

આ ઉપરાંત પારસ સોસાયટી,બ્લાઈન્ડ સ્કુલ, આરાધના સોસાયટી, વલસાડની ગવર્મેન્ટ કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સમગ્ર વલસાડ જિલ્લો જળબંબોળ બની જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી હાથતાળી આપી રહેતા મેઘરાજાએ આજે સવારે એકાએક આક્રમક વલણ અપનાવી ધોધમાર પડવાની શરુઆત કરી હતી. સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી વીજળીના તેજ બિહામણા લીસોટા અને કડાકા ભડાકાની સાથે જોશભેર વરસાદ શરૂ થયો હતો અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા મેઘરાજાએ મન મૂકી ને વરસીને લોકો ને ગરમી માંથી છૂટકારો અપાવ્યો હતો બીજી તરફ ધોધમાર વરસાદ નાં કારણે  લોકોનું જનજીવન એક રીતે ઠપ્પ બની ગયું હતું અને વાહન વ્યવહાર નેં પણ અસર પહોંચી હતી.

 

 

 

 

નવસા્રીમાં માત્ર બે કલાકમાં જ આટલો વરસાદ ઝીંકાયો હતો. 

નવસારી ફલ્ડ કંટ્રોલમાંથી સવારના છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં પડેલા ભારે વરસાદની મળતી આકંડાકિય માહિતી મુજબ ખેરગામમાં ૧૮૩ મી.મી, ગણદેવીમાં ૨૪૦ મી.મી, ચીખલીમાં ૨૦૦ મી.મી, જલાલપોરમાં ૨૦૯ મી.મી, નવસારીમાં ૧૯૮ મી.મી, વાસદામાં ૧૩ મી.મી, વરસાદ ઝીંકાયો હતો જેમાં જલાલપોરમાં અને નવસા્રીમાં માત્ર બે કલાકમાં જ આટલો વરસાદ ઝીંકાયો હતો. તમામ તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ પડવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

 

 

 

 

 

વલસાડ જિલ્લો પાણીથી જળબંબોળ થઇ ઉઠ્યો હતો 

વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો ઉમરગામમાં આભફાટયું હોય તેમ ૨૬૨ મી.મી, કપરાડામાં ૧૦૧ મી.મી, ધરમપુરમાં ૯૩ મી.મી, પારડીમાં ૮૨ મી.મી, વલસાડમાં ૧૫૫ મી.મી અને વાપીમાં ૨૩૧ મી.મી વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લો પાણીથી જળબંબોળ થઇ ઉઠ્યો હતો   

 

 

 

 

 

ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદ ઝીંકાયો 

ડાંગ જિલ્લામાં આહવામાં ૪ મી.મી, સાપુતારામાં ૧ મી.મી, વઘાઈમાં ૪ મી, મી અને સુબીરમાં ૨ મી.મી જયારે તાપી જિલ્લામાં વાલોડમાં ૬૬, સોનગઢમાં ૩૩ વ્યારામાં ૭૫ અને ડોલવણમાં ૪૯ મી.મી. ઉચ્છલ માં ૨ મી.મી. વરસાદ ઝીંકાયો હતો.

 

 

 

 

 

 ચિંતામાં મુકાયેલા ખેડુતોમાં ચહેરા ઉપર સ્મીત આવ્યું 

સુરત સીટીની સાથે જિલ્લામાં પણ મેઘરાજાઍ આક્રમણ વલણ અપનાવી તોફાની બેટીંગ કરી હતી અને સવારે ધીમી ધારે શરૂઆત કર્યા બાદમાં અષાઢી માહોલ ની જમાવટ કરી હતી સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં  બારડોલીમાં ૧૩૩ મી.મી, કામરેજમાં ૧૨૦, ચોર્યાસીમાં ૨૧ મી.મી, મહુવામાં ૯૪ મી.મી, માંડવીમાં ૬૬ મી.મી, અોલપાડમાં ૩૫ મી.મી માંગરોળ ૪૬ મી.મી. પલસાણામાં ૮૫ મી.મી સુરત સીટી ૨૭ મી.મી.અને ઉમરપાડા માં ૯૫ મી.મી.વરસાદ નોધાયો છે. વિતેલા ચોવીસ કલાકમાં પણ મહુવા તાલુકામાં ૩૬ મી.મી વરસાદ ઝીંકાયો હતો અને આજે સવારે ચાર કલાકમાં વધુ અઢી ઈંચ વરસાદ ઝીંકાયા સમગ્ર તાલુકો જળબંબોળ બન્યો હતો.સુરત જિલ્લામાં સવારથી મેઘરાજાએ મહેર વરસાવાની શરુઆત કરતા ચિંતામાં મુકાયેલા ખેડુતોમાં ચહેરા ઉપર સ્મીત આવ્યું છે.

 

 

 

 

સુરતમાં સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદમય વાતાવરણનો માહોલ ઉભો કરી સંતાકુકડી રમતા મેઘરાજાઍ ઍકાઍક આજે તોફાની બેટિંગની શરુઆત કરી હતી. સવારે આકાશમાં કાળાદિબાંગ વાદળો ઘેરાઈને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. શહેરમાં રોડ રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સતત પડી રહેલા વરસાદને કારણે ઍક તબક્કે સવારે લોકોની જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જોકે આજે રવિવારની મોટાભાગના લોકોને રજા હોવાથી ઘરમાં બેસી રહ્ના હતા.

 

 

 

 

 

પાલિકાની  પ્રી -મોન્સુન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી 

ચોમાસાની ઋુતુની શરુઆતમાં મેઘરાજાએ ધમાકેદાર ઍન્ટ્રી માર્યા બાદ અદ્રશ્ય થઈ ગયા હતા. લાંબા સમય સુધી વરસાદ ખેચાઈ જવાને કારણે ખેડુતો ભારે ચિંંતામાં મુકાયા હતા. ઍક તરફ હવામાન વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી પરંતુ જાઈઍ તેવો વરસાદ ઝીંકાયો ન હતો. લાંબા સમયના વિરામ વચ્ચે શહેરમાં વરસાદમય માહોલ સર્જાતો હતો પરંતુ જાણે વરસાદ સંતાકુકડી રમત રમી રહ્ના હોય તેમ હાથતાળી આપતો હતો. દરમ્યાન આજે સવારેથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. મેઘરાજા સવારથી જ મનમુકીને વરસવાનું શરૂ કર્યું હતું. શહેરમાં સૌથી વધુ ઉધના ઝોનમાં સાડા ચાર ઈંચ એટલે કે ૧૧૫ મી.મી. સેન્ટ્રલ ઝોનમાં ૨૭ મી.મી.વરાછા એ.ઝોનમા ૮ મી.મી.વરાછા બી.ઝોનમા ૮મી.મી.રાદેર ઝોનમાં ૧૬ મી.મી.કતારગામ ઝોનમાં ૯ મી.મી. લિંબાયત ઝોનમાં ૨૦ મી.મી.અને અઠવા ઝોનમાં ૧૨ મી.મી.વરસાદ વિજ કડાકા ભડાકા સાથે વરસ્યો હતો સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. રોડ રસ્તાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે જ પાલિકાની  પ્રી -મોન્સુન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ હતી.

 

 

 

 

શહેરમાં ઝાડ પડવાના આઠ બનાવો બન્યા

સુરત શહેરમાં આજે સવારેથી મેઘરાજાએ આક્રમક વલણ અપનાવી ગાજવીજ સાથે ધોધમાર વરસી રહ્યા છે. ભારે તેજ પવન સાથે વરસાદ પડવાને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં  ઝાડ પડવાના આઠ બનાવો બનતા ફાયરનો કાફલો સતત દોડતો રહ્યો હતો. સવારે પોણા નવેક વાગ્યાના આરસામાં પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે, ભાઠેના ચાર રસ્તા પાસે અને સવ્વા દસેક વાગ્યે સીટીલાઈટ સિધ્ધાથૅ કોમ્પ્લેક્ષ પાસે. પાર્લેપોઈન્ટ અંબાજી મંદિર પાસે. કઠોર ગામ. કૈલાશ નગર ચોકડી. અને અડાજણ ગેલકસી સર્કલ પાસે. પાસે ઝાડ પડવાના બનાવો બન્યા હતા. આ બનાવોમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application