ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. નવસારીમાં ચાર જ કલાકમાં એક સાથે તેર ઈંચ ખાબકી પડતા પાણીનું સામ્રાજય છવાયું હતું. ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ઘરમાં પણ ઘુટણસમા પાણી આવી ગયા હતા.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.સવારે 6 વાગ્યાથી રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં ચાર કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.તો જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યું છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે.
નવસારી શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળાએથી પરત ફરતા બાળકો ને લઈ જતા વાહનો અધવચ્ચે ખોટકાયા હતા. તો દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. શહેરમાં આવેલી ગેસ એજન્સીના ગોડાઉનમાં પાણી ભરાતા ગેસની એક બે નહીં 50થી વધુ બોટલો ગેટ તોડી પાણીમાં તણખલાની જેમ તણાઇ ગઇ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો બે કાર તણાઈ જવાના કિસ્સા પણ બન્યા હતા.
આ સાથે નેશનલ હાઈવે નંબર 48ને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઇ જતાં લોકોને અન્ય લાંબા માર્ગ પરથી વાહન લઈ જવાની ફરજ પડી છે. ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે એના રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. ગામડા અને શહેરોમાં મેઘતાંડવને લીધે જનજીવન ઠપ થઈ ગયું છે. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500