Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, મુખ્યમંત્રીએ ખાસ કરીને 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી

  • July 11, 2022 

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ખાસ કરીને મધ્યગુજરાતમાં આજે તોફાની વરસાદ બાદ મુખ્યમંત્રી પોતાનો પ્રવાસ પુર્ણ કરીને સીધા સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ ગાંધીનગરના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમણે ખાસ કરીને 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતીનો તાગ મેળવ્યો હતો. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. 


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા સંબંધિત જિલ્લાના કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOC થી કરીને સ્થિતિનો સંપૂર્ણ માહિતી મેળવી હતી. આ જિલ્લાઓમાં નીચાણ વાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે સૂચનાઓ આપી હતી.


છોટાઉદેપુરમાં 400 લોકો નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે આ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે, જરૂર જણાયે હજુ વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર વ્યવસ્થાઓ માટે તેઓ સજ્જ રહે. એટલું જ નહીં, પોલીસ દળની મદદ લઈને પણ લોકોનું સ્થળાંતર થાય અને વરસાદને પગલે કોઈ જનહાની ન થાય અને ઓછામાં ઓછી નુકસાની થાય તે જોવા તેમણે ખાસ તાકીદ કરી હતી.


રાજ્યમાં તારીખ 10 જુલાઈ એટલે કે આજની સ્થિતિએ સ્ટેટ હાઇવે, પંચાયત હાઇવે અને અન્ય માર્ગો મળીને કુલ 388 જેટલા માર્ગો બંધ છે. સ્ટેટ હાઇવેના જે માર્ગ બંધ છે તે સહિતના માર્ગો પરની આડશો દૂર કરીને તેમજ અન્ય મરામત કરીને તેને પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને આથી સૂચનો આપ્યા હતા.રાજ્યમાં આજે આ છ જિલ્લાઓમાં સવારે 8:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા દરમિયાન 5 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. તે સંદર્ભમાં પણ મુખ્યમંત્રીએ સ્થળાંતર અને અન્ય સુરક્ષાત્મક પગલાની જરૂર જણાય તો જિલ્લા કલેકટરએ સ્થાનિક સ્તરેજ જરૂરી નિર્ણય લઇ ત્વરિત કાર્યવાહી કરવી તેમ તેમણે ઉમેર્યું હતું. 


મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસુલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા, રાહત કમિશનર પી સ્વરૂપ અને વરિષ્ઠ અધિકારીઓ આ તાકીદની બેઠકમાં જોડાયા હતા. રાજ્યમાં NDRF ની 13 ટીમ અને SDRF ની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી એસડીઆરએફની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ વ્યાપક વરસાદથી અસરગ્રસ્ત એવા 6 જિલ્લાના કલેક્ટરોને તેમના જિલ્લાના જળાશયોમાં પાણીનો આવરો, દરિયામાં ભરતીને કારણે નદીઓમાં આવતું પાણી ગામોમાં ઘૂસી આવે તો તેની સામેની સાવચેતી, પશુઓની સલામતી વગેરે અંગે માહિતી મેળવીને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application