જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદ અને પૂરને પગલે ભૂસ્ખલનની ઘટનાઓ પર જોવા મળી હતી. ડોડા, કિશ્તવર અને રામબાણ સહિતના કેટલાક જિલ્લાઓમાં વહીવટી તંત્રને શાળાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. જેના પગલે આ વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
બીજી તરફ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવે સતત બીજા દિવસે બંધ રહેતા અનેક વાહન ચાલકો અટવાઇ ગયા હતાં. આ દરમિયાન કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં સંગમમાં જેલમ નદી ભયજનક સ્તરને વટાવી ગઇ છે અને નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ચેનબ નદીનાં આજુબાજુનાં વિસ્તારોમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં બરફ વર્ષા થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
કિશ્તવાડ જિલ્લામાં બરફ વર્ષાને કારણે અટવાઇ ગયેલા 50 વાહન ચાલકોને પોલીસે બચાવ્યા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનંતનાગ જિલ્લામાં સંગમ નદીમાં પાણીનું સ્તર 21.60 ફૂટ માપવામાં આવ્યું હતું. બીજી તરફ આસામમાં પૂરને કારણે વધુ 12 લોકોનાં મોત થયા છે અને અસરગ્રસ્તોની સંખ્યા વધીન 55 લાખને પાર થઇ ગઇ છે.
બરફવર્ષાને કારણે શ્રીનગરમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. શ્રીનગરમાં જૂનમાં છેલ્લા પચાસ વર્ષોનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું છે. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે સામાન્ય કરતા 14.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવેના કેટલાક ભાગ ધોવાઇ જતાં હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500