નવસારી જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અનેક નદી-નાળાઓ છલકાયા છે તેમજ નવસારીમાંથી પસાર થતી અંબિકા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. સતત ભારે વરસાદનાં પગલે અંબિકા નદીનાં જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જોકે, પૂર્ણા અને કાવેરી નદીની જળ સપાટીમાં હાલ ઘટાડો નોંધાયો છે.
જોકે ઉપરવાસમાં સાપુતારામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે અંબિકા નદીનાં જળસ્તરમાં વધારો થયો હતો. જિલ્લામાં આફતરૂપ બનેલા વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી અસરગ્રસ્ત પરિવારોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી.
જયારે જિલ્લામાં પૂર્ણા અને કાવેરી નદીઓમાં જે ભયજનક સપાટી વટાવી હતી, એમાં હવે ઘટાડો નોંધાયો છે. પરંતુ ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું જળસ્તર 24 ફુટ ઉપર સ્થિર રહ્યા બાદ ધીમે ધીમે વધી રહ્યું હતું. જેને કારણે કાંઠાનાં 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં હતા.
તેમજ ગણદેવી-અમાલસાડ માર્ગ પર ધમડાછાનો લો લેવલ પુલ અંબિકામાં ગરક થયો છે. જ્યારે ધમડાછા ગામેથી 102 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ઉપરવાસનાં ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકામાં 4 વાગ્યા બાદ પાણી વધે તેવી સંભાવનાને જોતા ગણદેવીના આગેવાનો સાથે સ્થાનિક તંત્ર પણ એલર્ટ થયું છે. જો નદીના જળસ્તરમાં વધારો થાય તો અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500