‘બિપોરજોય’ વાવાઝોડાનાં પગલે ઠેર ઠેર નુકસાનના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં જખૌ બંદર વિસ્તારમાં ભારે વરસાદ અને વાવાઝોડાનાં પગલે માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. રાત્રિનાં ૩ વાગ્યાનાં સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદ થતાં જખૌ બંદર તેમજ આસપાસના ગામોમાં ભારે નુકસાની પહોંચી હતી. સ્થાનિકોનાં જણાવ્યા પ્રમાણે ભારે પવન આવતા મકાનના પતરા ઉડયા હતા. તો કેટલાક સ્થળોએ નળિયા પણ ઉડયા હતા. પરિણામે માછીમાર પરિવારોના ઘર સામાન પાણીમાં પલળી ગયો હતો. જુદા જુદા સ્થળોએ આવે જ પરિસ્થિતિ જોવા મળી હતી.
આ પરિવારોના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા તાત્કાલીક સર્વે કરાવીને આ પરિવારોને સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વાવાઝોડું જખૌ ઉપરાથી ગુજરાતની જમીન ઉપર પ્રવેશ્યું હતું. સ્વાભાવિક રીતે જ જખૌમાં ભારે નુકસાન પહોંચ્યું છે. જખૌમાં મહદઅંશે માછીમાર પરિવારો રહે છે. આ પરિવારોનું સ્થાળાંતર તંત્રએ વહેલા કરાવી દીધું હતું. પરંતુ, તેમના કાચા-પાકા ઘરોને અને ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે. સરકાર અને સરકારી તંત્ર આ નુકસાન ભરપાઈ કરવા માટે ગરીબ માછીમાર પરિવારોની મદદે આવે તેવી માગણી પ્રબળ બની છે. સૌરાષ્ટ્રભરમાંથી માછીમારો જખૌ આવતાં હોય છે.
ભારે વરસાદનાં કારણે અબડાસા તાલુકાનાં જખૌ બંદર તરફનો માર્ગ ધોવાયો હતો. બે દિવસાથી બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને ભારે વરસાદ થતાં જખૌ ગામાથી બંદર તરફનો ૧૪ કિ.મી.નો જે માર્ગ આવેલો છે ત્યાં ઠેર ઠેર રોડ ધોવાઈ ગયો હતો અને ડામર ઉખડી ગયો હતો પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મોટા ભાગના સ્થળોએ મોટા ખાડાઓ થઈ ગયા હતા. તો કેટલાક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. જખૌ કચ્છનો અંતરિયાળ વિસ્તાર છે અને સહેલાણીઓ સિવાય લોકોની અવરજવર ઓછી રહેતી હોય છે. આ સંજોગોમાં આ વાવાઝોડામાં માર્ગોને થયેલું નુકસાન અક્ષમ્ય છે. આ રસ્તાઓનું સમરકામ વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી માગણી સ્થાનિક રહીશોમાં ઉઠી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500