અમેરિકાનાં ઓક્લાહોમા પ્રાંતમાં આવેલા વાવાઝોડાનાં કારણે ઓક્લાહોમા તથા પડોશી રાજ્ય ટેક્સાસનાં અનેક ભાગોમાં ઈમારતો અને મકાનો તૂટી પડયા હતા તથા તેને ભારે નુકસાન થયું હતું. આ સિવાય બે લોકોનાં મોત નીપજ્યાં હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ તોફાનના કારણે બંને રાજ્યોમાં ભારે વિનાશ સર્જાયો હતો. ઓક્લાહોમાનાં મેક્કર્ટેન કાઉન્ટીના ઈમર્જન્સી પ્રબંધક કોડી મેક્ડેનિયલે જણાવ્યું હતું કે, તોફાનના કારણે ઈડાબેલ કસ્બામાં ચર્ચ, સારવાર કેન્દ્રો અને એક સ્કૂલની ઈમારતને નુકસાન થયું હતું.
ઓક્લાહોમાના ગવર્નર કેવિન સ્ટિટે કહ્યું કે, રાહત અને બચાવ ટૂકડી લોકોને બચાવવામાં કાર્યરત છે. ટેક્સાસમાં લેમર કાઉન્ટીના અધિકારીઓએ કહ્યું કે વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા 60 મકાનો તૂટી પડયા છે અથવા તેને નુકસાન થયું છે. ઓક્લાહોમા સરકારના ગવર્નર કેવિન સ્ટિટ તોફાનથી થનારા નુકસાન જોવા ઈડાબેલ શહેર ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, બધા ઘરોની તલાશી લેવાઈ હતી, જેમાં 90 વર્ષીય એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજ્યના ઈમર્જન્સી વિભાગના પ્રવક્તા કેલી કૈને વૃદ્ધના મોતની પુષ્ટી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500