દેશભરમાં આગ ઝરતી ગરમીથી લોકોને કોઈ રાહત મળી નથી. શનિવારે ઉત્તર પ્રદેશનું બાંદા શહેર 47.4 ડિગ્રી સે. સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું જ્યારે એપ્રિલ મહિનો 122 વર્ષના ઈતિહાસમાં સૌથી ગરમ મહિનો રહ્યો છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. દેશના અનેક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી સે.થી ઉપર રહ્યું હતું. ઉત્તર પ્રદેશમાં શનિવારે વિક્રમી ગરમી નોંધાઈ હતી. લખનઉમાં 23 વર્ષ પછી પહેલી વખત પારો 45ને પાર ગયો હતો. જ્યારે નોઈડામાં 12 વર્ષનો વિક્રમ તૂટયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મે મહિનામાં પણ લોકોને ગરમીથી કોઈ રાહત મળવાના સંકેત નથી. મે મહિના માટે તાપમાન અને વરસાદ સંબંધિત આગાહી કરતાં હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતના રાજ્યોને મે મહિનામાં પણ તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે.
તેમણે ઉમેર્યું કે, દક્ષિણ ભારતના કેટલાક ક્ષેત્રો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં મે મહિનામાં રાતે પણ ગરમી અનુભવાશે. ઉત્તર-પશ્ચિમ અને મધ્યમ ભારતમાં આ વર્ષે એપ્રિલ મહિનો 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો, જ્યાં સરેરાશ તાપમાન ક્રમશઃ 35.9 ડિગ્રી સે. અને 37.78 ડિગ્રી સે. સુધી પહોંચ્યું હતું.
આ પહેલા ઉત્તર-પશ્ચિમ ભારતમાં એપ્રિલ 2010માં સરેરાશ મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સે. જ્યારે મધ્ય ભારતમાં એપ્રિલ 1973 દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 37.75 ડિગ્રી સે. નોંધાયું હતું. આ એપ્રિલમાં સરેરાશ તાપમાન 35.05 ડિગ્રી સે. નોંધાયું હતું, જે વર્ષ 1900 પછી ચૌથી વખત સૌથી વધુ રહ્યું છે. 1900થી હવામાન વિભાગે હવામાનનો ડેટા રાખવાનું શરૂ કર્યું છે. મહાપાત્રાએ ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે મે મહિનામાં સૌથી વધુ ગરમી નોંધાય છે, તેથી મેમાં રાજસ્થાનમાં તાપમાન 50 ડિગ્રીને પાર કરી જાય તેવી આશંકા છે.
દરમિયાન ઉત્તર પ્રદેશમાં કેટલાક સ્થળો પર લૂની સ્થિતિ સર્જાઈ હતી. બાંદા જિલ્લામાં સતત બીજા દિવસે ભીષણ ગરમી જોવા મળી. શનિવારે પારો 47 ડિગ્રીને પાર ગયો હતો. આ સિવાય લખનઉ, ઝાંસી, કાનપુર સહિતના શહેરોમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.દેશના અન્ય ભાગોમાં દિલ્હીમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં રવિવારે પણ હીટવેવની સ્થિતિ રહેશે. વધુમાં ગુરુગ્રામમાં 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જે હરિયાણા અને પંજાબમાં સૌથી ગરમ સ્થળ હતું. નારનૌલ, હિસારમાં પણ તાપમાન 45 ડિગ્રી સે.ને પાર ગયું હતું. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં શનિવારે તાપમાન 46.6 ડિગ્રી સે. હતું. વિદર્ભના કેટલાક સ્થળોમાં તાપમાન 45 ડિગ્રીને પાર ગયું હતું. ઓડિશામાં પણ વિક્રમી 45.5 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. આ સિઝનમાં સતત ત્રીજા દિવસે પારો 45 ડિગ્રી સે.થી ઉપર રહ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500