ગુજરાતમાં વધી રહેલા હૃદયરોગના હુમલાના પગલે શાળાઓમાં હાર્ટએટેકની ઘટના બાદ શિક્ષકોને તાલીમ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. રાજ્યના ૧.૭૫ લાખ શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે શિક્ષણ પ્રધાને તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આગામી તા. ૩જી ડિસેમ્બરથી તા.૧૭મી ડિસેમ્બર દરમિયાન આ મેગા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાથમિક તબક્કે પોણા બે લાખ જેટલા શિક્ષકોને મેગા કેમ્પમાં તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના વધી રહેલા બનાવના પરિણામે મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહ્યું છે. નાની ઉંમરના યુવાનો હાર્ટએટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે રાજ્યની શાળામાં ભણતા બાળકોને પણ હાર્ટ એટેક આવવાના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તેની ગંભીરતાથી નોંધ લીધી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો પર હાર્ટએટેકનું જોખમ જોવા મળ્યું છે. હવે શિક્ષણ વિભાગે આ દિશામાં ગંભીર વિચારણા શરૂ કરી છે.
હાર્ટએટેકના કિસ્સામાં દર્દીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ તાલીમ માટે ૩૭ જેટલી કોલેજોની પસંદગી કરવામાં આવી છે. ત્યાં મેગા કેમ્પ યોજવામાં આવશે. ઇન્ડિયન સોસાયટી એનેસ્થોલિયોજિસ્ટ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સીપીઆર ટ્રેનિંગ યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની પ્રાથમિક શાળામાં ૧.૬૯ લાખ શિક્ષકોને ૭૦૦૦ કરતાં વધુ આચાર્યોની તાલીમનું આયોજન કરી દેવાયું છે. ત્યારબાદ માધ્યમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. આ તાલીમ બાદ શિક્ષકો હાર્ટએટેકના કિસ્સામાં દર્દીઓને મદદરૂપ થઈ શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500