સમગ્ર દેશ અને રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં તા. ૦૧ સપ્ટેમ્બરથી ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત સુપોષિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણલક્ષી યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાની એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. રાજ્ય-રાષ્ટ્રના તમામ પ્રદેશોમાં સંપૂર્ણ સપ્ટેમ્બર માસ દરમિયાન વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર માટે આ માસની ઉજવણી કરવામાં આવે છે.
આ અભિગમમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા નર્મદા જિલ્લો પણ કટિબદ્ધ છે. આજે મંગળવારના રોજ પોષણ માહ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં બાળતુલા દિવસની ઉજવણી કરી સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વસ્થ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થકી બાળકો તેમજ તેમના વાલીઓમાં પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે હેલ્થ અવેરનેસની ભાવના કેળવાય તેમજ તેમને જોઇને બીજા બાળકોને પ્રોત્સાહન મળે તે માટે બાળકના વૃદ્ધિ અને વિકાસ વિશે ગ્રોથ ચાર્ટ દ્વારા વાલીઓને સમજ આપવામાં આવી હતી. સ્વસ્થ બાળકના વાલીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો દ્વારા ગામના લાભાર્થી, કર્મચારી, પદાધિકારી, સ્થાનિક આગેવાનોને પણ પોષણ સંબંધી જાણકારી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500